લમ્પી સામે સંસ્થાનો સેવાયજ્ઞ:પોરબંદરની સામાજિક સંસ્થાની અનોખી પહેલ, દરરોજ 1 હજાર જેટલા લમ્પીગ્રસ્ત ગૌધનને પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહ્યા છે

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજ્યુકેશન એન્ડ ચેર્રીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ ધનને વહેલા સાજા કરવા પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહ્યા છે

પોરબંદરમાં લમ્પી વાયરસનું પ્રમાણ ખૂબ જ વધારે ફેલાઇ રહ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં આવા અસંખ્ય પશુઓ રસ્તે રઝળી રહ્યા છે. ત્યારે શહેરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેર્રીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ તબીબના માર્ગદર્શન નીચે બીમાર ગૌ ધનને વહેલા સાજા કરવા પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહ્યા છે. દરરોજ 1000 જેટલા પશુઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં દાતાઓ પણ સહકાર આપી રહ્યા છે.

લાડવા બનાવવાનો અને ગૌધન સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ ધમધમ્યો
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેર્રીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડીયા થોડા દિવસ પહેલા કડીયા પ્લોટ,મીલપરા,ઝુંડાળા વગેરે વિસ્તારમા લમ્પીગ્રસ્ત પશુઓ જોવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, લમ્પી વાયરસનો શિકાર થયેલ ગૌધન આ વાયરસમાંથી રીકવર થાય ત્યારે તેમના મોઢામાં ચાંદા પડવાથી લીલુ કે સુકુ ઘાસ ખાઇ શકતા નથી. જેનાથી ગૌધનને અશક્તિ અને કમજોર પડી જવાને કારણે ધીમે ધીમે મોતના મુખ સુધી પહોંચી જાય છે,પરંતુ જો આ પ્રકારના ગૌધનને પોષણક્ષમ હળદર સાથેના લાડવા ખવડાવવામાં આવે તો તેઓ સહેલાઇથી આરોગી શકે અને લમ્પીગ્રસ્‍ત પશુને ઘણી જ રાહત મળે તેમ છે. આ પ્રકારની માહિતી મળતા તેમણે હળદર સાથેના પોષણક્ષમ લાડવા ગૌધનને ખવડાવવાનો નિર્ધાર કર્યો હતો અને લાડવા બનાવી પોરબંદર શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગૌધન સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. જેના અનુસંધાને લાડવા બનાવવાનો અને ગૌધન સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ ધમધમી રહ્યો છે.

વિતરણ વ્યવસ્થામા જીવદયા પ્રેમીઓ જોડાઇ રહ્યા
પોરબંદરના એસેસી ગ્રાઉન્ડ ખાતે ભીમેશ્વર મહાદેવ મંદિરે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં ભીમેશ્વર મહાદેવ મંદિર મહિલા સત્સંગ મંડળ, બાબુજતી બાપુના આશ્રમના સેવકગણ અને શહેરના જીવદયા પ્રેમીઓનો સહયોગ સાંપડી રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં ગૌધનને લાડવા પહોંચાડવા માટે મેરૂ પરબત મોઢવાડીયા દ્વારા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ ચાર કલાક સુધી ચાલતી વિતરણ વ્યવસ્થામા જીવદયા પ્રેમીઓ જોડાઇ રહ્યા છે.

સેવાયજ્ઞ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ શરૂ થઇ
પોષણક્ષમ લાડવા બનાવવાનુ રસોડુ શરૂ કરવા માટે સૌ પ્રથમ અર્જુન મોઢવાડીયા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં લાડવાનો કાચો સામાન જેમાં ઘઉંનો લોટ, ગોળ, સીંગતેલ, હળદર વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સેવાયજ્ઞ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ શરૂ થઇ છે, વધુને વધુ ગૌપ્રેમીઓ આ સેવાયજ્ઞમાં જોડાય તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. આમ,ગૌ ધન માટે શરૂ થયેલ આ ઝુંબેશમાં સૌ તન,મન,ધનથી જોડાઇ ગયા છે અને કોરોનામાં માનવીઓની સેવા માટે દોડધામ બાદ હવે પશુઓની સેવા માટે પણ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ યથાયોગ્ય પ્રયાસો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...