રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાની બંને બેઠકો પર ભારે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળશે. પોરબંદર જિલ્લામા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે હવે સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ચુકી છે. ત્યારે પોરબંદર જિલ્લાની એક બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે, જ્યારે કુતિયાણા બેઠક પર ચતુષ્કોણીય જંગ જોવા મળશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી પોરબંદર જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
પોરબંદર બેઠક પર બન્ને મજબૂત ઉમેદવાર
પોરબંદર બેઠક પર ગત ચૂંટણીમા પણ ભાજપ પાતળી સરસાઈ સાથે 1855 જેટલા મતોથી જીત્યુ હતું. આ વખતે કુતિયાણા બેઠક પર ભારે રસાકસી થવાની સંભાવના જોવા મળી રહી છે. પોરબંદર વિધાનસભા પર બંને પાર્ટીએ 2-2 ટર્મ સુધી સત્તા જાળવી રાખી છે. 2002 અને 2007 મા કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા ચૂંટાયા હતા. જ્યારે 2012 અને 2007 મા ભાજપના બાબુ બોખીરીયા ચૂટાયા હતા. પોરબંદર વિધાનસભા બેઠક પર 2017મા ભાજપના બાબુ બોખીરીયાએ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાને હરાવી વિજય મેળવ્યો હતો.
કુતિયાણામાં ગત ચૂંટણીમાં એનસીપીની જીત થઈ હતી
કુતિયાણા વિધાનસભા બેઠક પર 2017મા એનસીપીના કાંધલ જાડેજાએ એકલે હાથે ભાજપના ઉમેદવાર લક્ષ્મણ ઓડેદરા અને કોંગ્રેસના ઉમેદવાર વેજા મોડેદરાને હરાવી વિજય મેળવ્યો હતો. આ વખતે જિલ્લાની બન્ને બેઠક પરના ઉમેદવારના નામ જોઈએ તો પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બાબુ બોખરીયા, કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડીયા અને આપ તરફથી જીવન જુંગી ઉમેદવાર છે. કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસના નાથા ઓડેદરા, આપના ભીમા મકવાણા તેમજ કાંધલ જાડેજાએ અપક્ષમાં ફોર્મ ભર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.