રજૂઆત:પેરેડાઈઝ સુપર માર્કેટની દુકાનોની હરરાજી માટે ત્રીજો પ્રયાસ કરાયો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનોના ભાડામાં કમિટી દ્વારા ઘટાડાની દરખાસ્ત કરો, દુકાનોના ભાવમાં ઘટાડો કરી હરરાજી કરો, રજૂઆત

પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી માટે પ્રથમ અને બીજો પ્રયાસ સફળ રહ્યો નથી. ત્યારે તંત્ર દ્વારા હરરાજી માટેનો ત્રીજો પ્રયાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દુકાન ભાડાના ભાવમાં ફેરફાર કરી ભાવ ઘટાડો કરી હરરાજી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.

આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. પાલીકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે હરરાજીના પ્રથમ પ્રયાસે 3 પાર્ટી એ જ ડિપોઝિટ ભરી હતી જેથી આ હરરાજી મોકૂફ રાખવામાં આવી હતી.

બાદ પાલિકા દ્વારા બીજો પ્રયાસ કરી હરરાજી અંગે જાહેરાત કરવામાં આવતા બીજો પ્રયાસ પણ પણ ફેઈલ થયો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા પાલિકા તંત્ર દ્વારા દુકાનોની હરરાજી માટે ત્રીજો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તા. 20/12ના રોજ હરરાજી થશે તેવું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છેકે, પેરેડાઈઝ સુપર માર્કેટની દુકાનોનું માસિક ભાડું વધારે છે.

જેથી અન્ય કોઈ પાર્ટી આગળ આવતી નથી. દુકાનનું ભાડું, જીએસટી, માણસોના પગાર, લાઇટબીલ સહિતનો ખર્ચ કરવામાં આવે તો વેપારીઓને આ ભાડામાં નુકશાની થાય તે સ્વાભાવિક છે જેથી દુકાનોની હરરાજી માટે કમિટી દ્વારા ભાડામાં ઘટાડા અંગે ફેરફાર કરી સરકાર સમક્ષ દરખાસ્ત કરી, દુકાનોના ભાવ વેપારીઓને પરવડે તેવા રાખી આ દુકાનોની હરરાજી કરવામાં આવે તેવી સામાજિક આગેવાને માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...