કર્મયોગી શિક્ષક:પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં ત્રણ કિમી ચાલીને સ્કૂલમાં ભણાવવા જતા શિક્ષક, વિદ્યાર્થીઓને ઘરેથી લઈ જઈને શિક્ષણ આપે છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય. આજે વાત કરવી છે પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં રહેતા માલધારીઓના બાળકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સંકલ્પ લીધો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ માટે પ્રતિબદ્ધ એવી ગુજરાત સરકારના એક એવા કર્મયોગી શિક્ષકની કે જે ત્રણ કિલોમીટર ચાલીને બાળકોને ભણાવવા જાય છે અને સાથે શાળાએ બાળકોને લઈ જાય છે.

નેશ વિસ્તારમાં માલધારી સમાજ મોટાભાગે વસવાટ કરે છે
પોરબંદરના રાણાવાવ તાલુકાના રાણાવારા નેશ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્યનું શ્રમદાન કાબિલેદાદ છે. આચાર્ય અશ્વિનકુમાર ભોઇ ઘરે-ઘરે વિદ્યાર્થીઓને લેવા જાય છે. તેમજ વિદ્યાર્થીઓ પણ તૈયાર થઈને ઉત્સુકતાથી આચાર્યની રાહ જોતા હોય છે. પોરબંદર બરડાના ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ રાણવારા નેસ પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.7 સુધીમાં 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નેશ વિસ્તારમાં માલધારી સમાજ મોટાભાગે વસવાટ કરતો હોય છે. જે પશુપાલન સાથે સંકળયેલા છે. આ વિસ્તારમાં રહેતા તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રાથમિક શાળાનો સ્ટાફ કટિબદ્ધ છે. શાળાના આચાર્ય જાતે દરરોજ વહેલા આવીને ઘરે ઘરે વિદ્યાર્થીઓને લેવા જાય છે.

આમ કરવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગે છે
શિક્ષક અશ્વિનભાઈ તેમની સેવાની વાત કરતા કહે છે કે, આમ કરવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગે અને શાળા પ્રત્યે પ્રેમ જાગે છે તથા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ પણ કરે નહિ. વિશેષમાં મને ખુદને અંદરથી ઉત્સાહ હોવાથી ૩ કિમી ચાલીને હું જાતે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને શાળાએ લાવું છું. આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકોને નવીન બાબતોમાં રુચિ પડે તે માટે અમારી શાળામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમ કે કિચન ગાર્ડન, પક્ષીઓને પાણી પીવડાવવું, અક્ષયપાત્ર, ચબુતરો, રમત ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ આપવામાં આવે છે.

કોરોના કાળમાં શેરી શિક્ષણ શરૂ કર્યું
કોરોના મહામારી જેવા કપરા સમયમાં સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ હતું. પરંતુ સરકારની સૂચના અનુસાર ઓનલાઇન માધ્યમથી શિક્ષણ કાર્ય શરૂ રહે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ અમારી શાળા નેસ વિસ્તારમાં હોવાથી અહીંયા નેટવર્ક ઓછું આવવાને કારણે તેમજ બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે અમે એક નવતર અભિગમ અપનાવી "શેરી શિક્ષણ" શરૂ કર્યું હતું. જેમાં શાળામાં શિક્ષક અલગ અલગ સ્થળે બાળકોને બોલાવીને શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું હતું. તેમજ આજુબાજુના નેસ વિસ્તારમાંથી આવતા બાળકોને જમવાની વ્યવસ્થા એમ.ડી.એમ સંચાલક જીવા દ્વારા પૂરી પાડવામાં આવી હતી. હું એ શાળાના શિક્ષિકા પોરીયા મીના શેરી શિક્ષણ દ્વારા વિધાર્થીઓને શિક્ષણ પુરૂ પાડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...