આજના રાજકારણીઓ દેશની સંસદથી લઇ બધી જગ્યાએ મહિલાઓને અનામત મળવું જોઇએ તેવી વાતો હવે છેટ કરી રહ્યા છે ત્યારે ગાંધીભૂમી પોરબંદરમાં આજ થી 70 થી પણ વધુ વર્ષ પહેલા મહિલાઓ માટે અનામત બગીચો બનાવવામાં આવ્યો છે. જે કદાચ આજે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં છે. અહીં માત્ર મહિલાઓ અને નાના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. પુરુષો માટે અહીં પ્રવેશ કરવા સામે નિષેધ કરાયો છે.
આજથી 70 વર્ષ પહેલા જયારે ઘરોમાં મોબાઇલ, ટીવી કે પછી અન્ય કોઇ મનોરંજનના સાધનો ન હતા અને ગામમાં પણ મહિલાઓને મનોરંજન મળે તેવી કોઇ સુવિધાઓ ન હતી ત્યારે મહિલાઓ માટે ઘરમાં જીવન બંધીયાર બની જતું હતું. જે જમાનાના રીતરસમ મુજબ ઘુંઘટમાં રહેતી મહિલાઓ ઘરમાં પણ મુકત રીતે રહી શકતી ન હોવાને લીધે આવી મહિલાઓ માટે કશું કરવું જોઇએ તેવા આશયથી પોરબંદરના એમ. જી. રોડ પર આવેલ રૂપાળીબા તળાવને બુરી દેવામાં આવ્યું હતું અને ત્યાં તે વખતેની સૌરાષ્ટ્ર રાજયની સરકાર દ્વારા એક મહિલા અનામત બગીચો બનાવવામાં આવ્યો હતો.
તા. 17 ઓગષ્ટ 1949 ને વિક્રમ સવંત 2005 ના જન્માષ્ટમીએ ખુલ્લો મુકવામાં આવેલો. ત્યારથી લઇને આજ સુધી સમગ્ર ગુજરાતમાં અને કદાચ સમગ્ર દેશમાં એક માત્ર એવો બગીચો હશે કે જે માત્ર મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યો હોય. મહિલાઓ સિવાય અહીં બાળકો કે જેમાં નાની ઉંમરની બાળકીઓ અને બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
પુરુષોને આ બગીચામાં પ્રવેશ અપાતો નથી. આની પાછળનો ઉદ્દેશ એવો છે કે મહિલાઓ આ બગીચામાં તમામ સંકોચ ભૂલીને ખુલ્લા મને કોઇપણ પ્રકારનો ડર કે ક્ષોભ રાખ્યા વિના મુકતમને મહાલી શકે અને સ્વતંત્રતાની હવામાં મનોરંજન માણી શકે. આ આશયથી તે વખતેના દિર્ઘદર્ષ્ટા રાજકારણીઓએ મહિલા અનામત ઉદ્યાનની રચના કરી મહિલાઓન પ્રત્યેની સમાજની જવાબદારી છે તેનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડયું છે.
રૂા. 85000 ના ખર્ચે બગીચો બન્યો હતો
પોરબંદરના રાજમાતા શ્રી રૂપાળીબાના નામથી આવેલા તળાવને બૂરી આ જગ્યાએ આ બગીચો બનાવાયો હોવાથી આ બગીચાને શ્રી રૂપાળીબા બાગ નામ આપવામાં આવ્યું છે અને તે વખતે આ બગીચો બનાવવામાં રૂ. 85000 નો ખર્ચ થયો હતો જેમાં રૂ. 51000 ઉદ્યોગપતી નાનજીભાઇ કાલીદાસ મહેતાએ અને રૂ. 38000 સૌરાષ્ટ્ર સરકારે આપ્યા હતા.
બગીચામાં મહિલાઓના મનોરંજના સાધનો પણ મુકાયા છે
આ બગીચામાં મહિલાઓ મુકતપણે વિહરી શકે તે ઉપરાંત મનોરંજન મળે તે માટે બગીચામાં લસરપટ્ટીઓ, હિંચકા સહિતના અનેક સાધનો પણ તે વખતથી જ મુકવામાં આવ્યા છે.
રૂપાળીબા બગીચાનું સંચાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે
હાલ પોરબંદરમાં આવેલા શ્રી રૂપાળીબા બગીચાનું સંચાલન પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને અહીં બગીચાના સુચારુ સંચાલન માટે એક વોચમેનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી બગીચામાં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.