સામસામી ફરિયાદ:પોરબંદરના છાંયામાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરો અને લોખંડના પાઇપ વડે મારામારી

પોરબંદરના છાંયામાં રસ્તાના બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને બંને પરિવારોએ સામસામા પથ્થરો અને લોખંડના પાઇપ વડે હુમલાઓ થતા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં કેનાલની પાસે રહેતા વીનોદભાઇ વાલજીભાઇ ટાંક ને પ્રદીપપરી જેરામપરી, ધર્મેશપરી પ્રદીપપરી, વીજય તથા અન્ય એક અજાણ્યા શખ્સ સાથે રસ્તા બાબતે વાંધો ચાલતો હોય આ ચારેય શખ્સોએ ગત તા. 16-05-2022 ના રોજ રાત્રીના સમયે વીનોદભાઇને ભુંડી ગાળો કાઢી હતી અને પથ્થર અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. જયારે કે સામે પક્ષે પ્રદીપપરી જેરામપરી એ ફરિયાદ નોંધાવી છે કે તેઓએ વીનોદભાઇ વિરુદ્ધ DSP તથા કલેકટરમાં રસ્તા બાબતે અરજી કરેલ હોય તે બાબતનું મનદુ:ખ રાખીને વીનોદભાઇ વાલજીભાઇ ટાંક, આશીષભાઇ વીનોદભાઇ, સંજય, લાખાભાઇ તથા પંકજભાઇએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારી ભુંડી ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તમામ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI પી. વી. ડાકીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...