પોરબંદર છાંયા નગરપાલિકા બિલ્ડીંગમાં ફાયર સેફટીની સુવિધા ક્યારે અપાશે તેવા સવાલ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ધર્મેશ પરમારે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર છાંયા નગરપાલિકા બિલ્ડીંગ બની ત્યારથી આજ દિન સુધી અહીં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તો સૌથી પેહલા નોટિસ આપવાની થાય તો નગરપાલિકાને આપવાની થાય છે, સીલ મારવાનુ થાય તો નગરપાલિકાના ગેટ પર સીલ મારવુ જોઈએ.
ગઈ કાલે પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની 2 બિલ્ડીંગમાં સીલ મારવામા આવ્યા અને 100 કરતા વધારે મિલકતોને નોટિસ આપવામાં આવી છે. ફાયર સેફ્ટી હોવી જરૂરી છે, પણ આમ જનતા માટે અને નગરપાલિકા માટે નિયમો અલગ-અલગ કેમ ??. જે નગરપાલિકાના નવા બિલ્ડીંગને 1 વર્ષ પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી લગાડવામાં આવ્યા.
આ બિલ્ડીંગમાં પોરબંદરવાસીઓ વેરો ભરવા, જન્મ-મરણના દાખલ કઢાવવા સહિત વિવિધ કામગીરી માટે હજારોની સંખ્યામાં આવે છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદારી કોની?. શા માટે ફાયર સેફટીના સાધનો હજુ સુધી મુકવામાં આવ્યા નથી? શહેરની બિલ્ડીંગોમાં ફાયર સેફટી અંગેની નોટિસો પાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ ખુદ પાલિકાની બિલ્ડીંગમા જ આ સાધનો નથી જે આશ્ચર્યજનક બાબત છે. આ બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા માગ કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.