PGVCLની સમિક્ષા બેઠક:પોરબંદરના વિજ પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ; પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં કરાઈ ચર્ચા

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા પોરબંદર (ગ્રામ્ય) વિભાગીય કચેરી હેઠળના વીજ પ્રશ્નો અંગે જીલ્લાના પદાધીકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પોરબંદર જિલ્લાના વિવિધ પડતર વિજ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બગવદર સબ ડીવીઝનના વિભાગ કરી અને બોખીરા ખાતે નવું સબ ડીવીઝન મંજુર કરવા તેમજ વિસાવાડા અને ભોમીયાવદર 66 કેવી સબ સ્ટેશન ખાતે નવી મીની મેન્ટેનન્સ ટીમ મંજુર કરવા તેમજ 66 કેવી શીંગડા અને રાણા રોજીવાડાની કામગીરી પૂર્ણ કરી ઝડપથી શરૂ કરવા ચર્ચા કરાઈ હતી.

સાથે જ વીજ ફોલ્ટ માટે કોસ્ટલ ખાતે કાયમી વધારાની ટીમ ફાળવવી તેમજ છાત્રાવા જ્યોતિગ્રામ ફીડરનું વિભાજન કરવું અને લો વોલ્ટેજના પ્રશ્નો હોય તેવા ગામમાં નવા ટ્રાન્સફોર્મર મુકવા તેમજ ખેતીવાડી વીજ જોડાણની કામગીરી ઝડપથી કરાવવા, લાઈનો માલસામાન તથા ટ્રાન્સફોર્મર પોરબંદર જીલ્લા માટે વધુ ફાળવવાની સાથે ખેડુતોના વીજ ફોલ્ટ તથા બળેલા ટ્રાન્સફોર્મરોને સમયસર બદલવા અંગે પણ રજૂઆતો કરવામા આવી હતી. તેમજ વનાણા જી.આઈ.ડી.સી ખાતે નવું 66 કેવી સબ સ્ટેશન મંજુર કરવું અને વનાણા જી.આઈ.ડી.સી.ખાતે વધારાનો કાયમી સ્ટાફ ફાળવવો તેમજ વીજળીને લગતી અન્ય સમસ્યાઓ અંગેની રજુઆતો પણ કરવામાં આવી હતી.

આ સમિક્ષા બેઠકમા પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલ કોઠારી અને જીલ્લા પંચાયતના સદસ્યો અને મહાનુભાવો તેમજ વાનાણા જી.આઈ.ડી.સી.એશોસિએશનના પ્રમુખ દિલીપ સુંડાવદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પીજીવીસીએલની તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરો, પોરબંદર ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર ડી.એમ.કામાણી તથા પોરબંદરના અધિક્ષક ઈજનેર ડી.બી.કોડીયાતર તેમજ વર્તુળ કચેરીના નાયબ ઈજનેરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...