પોરબંદર શહેરમાં નર્સિંગ કોલેજ ખાતે આગામી મહિનાથી મેડીકલ કોલેજનો શુભારંભ કરવામાં આવશે. પોરબંદર ખાતે ઓગષ્ટ મહિનામાં નર્સિંગ કોલેજમાં મેડીકલ કોલેજ કાર્યરત કરવામાં આવશે તેવું ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
પૂ. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં પ્રાયોગિક ધોરણે મેડીકલ કોલેજ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી સરકારના આરોગ્ય વિભાગે મેડીકલ કોલેજના ડીન તરીકે ડો. સુશીલ કુમાર અને એડીશનલ ડીન તરીકે ડો. કૃતાર્થ ભટ્ટની નિયુક્તિ કરી દીધી છે અને હવે તબીબી અધ્યાપકોની નિમણુંકનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના અનુસંધાને જુદા-જુદા વિષયના 55 તબીબી અધ્યાપકની મેડીકલ કોલેજમાં નિમણુંક કરવામાં આવશે.
આમ પોરબંદરમાં આગામી માસથી નર્સિંગ કોલેજ ખાતે મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરી દેવામાં આવશે અને અહીં તબીબી શિક્ષકોની સાથો સાથે 30 જૂનિયર તબીબોની નિયુક્તિ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આમ સ્થાનિક ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના પ્રયાસોથી પોરબંદરમાં મેડીકલ કોલેજનો શુભારંભ થવાનો હોવાથી લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.
મુખ્ય ત્રણ વિષયોના 15 અધ્યાપકો કાયમી ધોરણે ઉપલબ્ધ રહેશે
મેડીકલ કોલેજના પ્રથમ વર્ષમાં કેનોટોમી, ફીજીયોલોજી અને બાયોકેમેસ્ટ્રી એમ ત્રણ વિષય ભણાવવાના હોવાથી નિમણુંક પામેલ અધ્યાપકો પૈકી ત્રણ વિષયો પુરતા 15 તબીબી અધ્યાપકો કાયમી ધોરણે મેડીકલ કોલેજ ખાતે ઉપલબ્ધ રહેશે અને અન્ય તબીબી અધ્યાપકો મેડીકલ કોલેજની તપાસણી બાદ જે તે સંસ્થામાં ડેપ્યુટેશન પર પરત ફરશે. ડેપ્યુટેશન પર ગયેલ અધ્યાપકોના પગાર મેડીકલ કોલેજ તરફથી ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું છે.
ધરમપુર ખાતે 551 કરોડના ખર્ચે ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવશે
પોરબંદર નજીક આવેલ ધરમપુર ખાતે 20 એકર જેટલી જમીનની ફાળવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા જમીનની ફાળવણી કરાઇ છે ત્યારે અહીં 551 કરોડના ખર્ચે મેડીકલ કોલેજ ખાતેના ભવ્ય બિલ્ડીંગનું નિર્માણ કરાશે. ટૂંક સમયમાં એજન્સીને વર્ક ઓર્ડર મળી ગયા બાદ કોલેજના બિલ્ડીંગનું ખાત મુહુર્ત કરી બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરાશે અને 18 માસમાં કામ પુરુ કરી દેવામાં આવશે.
વડાપ્રધાનના હસ્તે કોલેજના ભવ્ય બિલ્ડીંગનું ખાત મુહુર્ત થાય તેવા ધારાસભ્યના પ્રયાસો
પોરબંદરના ધરમપુર ખાતે ભવ્ય બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરાયું છે ત્યારે આ બિલ્ડીંગનું ખાત મુહુર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થાય તે માટે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા પ્રયાસો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.