પોરબંદરની આવાસ યોજનામાં આવેલા ફ્લેટની છત ધડાકાભેર પડતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે જે ફ્લેટનો સ્લેબ ધરાશાઈ થયો તે ફ્લેટમાં રહેતા ભીમજી સેરજીના પરિવારના સભ્યો રસોડામાં જમવા બેઠા હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.
સરકાર દ્વારા ગરીબો માટે તુંબડા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવી આપેલા છે. જ્યારે આ કામ ચાલતું હતું, ત્યારે પણ અનેક વખત કામ નબળું થતું હોવાનું કોંગ્રેસ દ્વારા પુરવાર કરવામાં આવ્યું હતું. આમ, છતાં લોટ, પાણી અને લાકડા જેવું કામ કરી ગરીબોને રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આજે અચાનક આવાસ યોજનામાં આવેલા બિલ્ડીંગ નં. 7માં આવેલા 17 નંબરના ફ્લેટની છતનો ભાગ ધડાકાભેર પડ્યો હતો. ફ્લેટમાં રહેતા લોકો રસોડામાં જમવા બેઠા હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.
આ બનાવની જાણ થતા કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવ મોઢવાડીયા, કોંગ્રેસ આગેવાન વિજય બાપોદરા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર, કરણ મેઘનાથી અને ચિરાગ ડાભી સહિતના આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ફલેટ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. આ આવાસ યોજનામાં થયેલા કામ અંગે ઉચ્ચકક્ષા એ તપાસ કરવા અને બિલ્ડીંગની ચકાસણી કરવા કોંગ્રેસ દ્વારા માગ કરવામા આવી હતી. આ કામમાં થયેલા નબળા કામ અને ભ્રષ્ટાચારનો ભોગ કોઈ નિર્દોશ બને તે પહેલા યોગ્ય કરવા માગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.