પોરબંદરના માધવપુર નેશનલ હાઇવે પર બળેજ - મોચા ગામ વચ્ચે હાઇવે પર દીપડાનું બચ્ચુ રોડ ક્રોસ કરતું હતું તે દરમ્યાન એક વાહન ચાલકે બચ્ચાને હડફેટે લેતા દીપડાના બચ્ચાનું મોત થયું છે. પોરબંદર માધવપુર નજીકના ઘેડ વિસ્તારમાં અનેક વન્ય પ્રાણી વસવાટ કરે છે. દીપડા પણ અહી વસવાટ કરે છે. ત્યારે આજે બુધવારે દીપડાનું બચ્ચુ બળેજ - મોચા ગામ વચ્ચે હાઇવે પરથી પસાર થતું હતું તે દરમ્યાન પુર ઝડપે આવી રહેલ એક વાહન ચાલકે આ દીપડાના બચ્ચાને વાહન હડફેટે લઈ લેતા દીપડાના બચ્ચાનું ધટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.
આ અંગે વન વિભાગ ટીમને જાણ થતા ટીમ ધટના સ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા આ દીપડાનું બચ્ચુ એક વર્ષથી પણ નાની વયનું માદા હોવાનું જાણવા મળ્યું હતું. દીપડાના બચ્ચાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યું છે. અને વાહન ચાલક કોણ છે તે અંગે વન વિભાગ ટીમે તપાસ હાથ ધરી છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતુંકે, અજાણ્યા ચાલક સામે તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
પુરઝડપે વાહન ચાલાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ
આ નેશનલ હાઇવે પર વાહન હડફેટે દીપડાના બચ્ચાનું મોત નિપજ્યું છે ત્યારે વન્યપ્રાણી પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. આ હાઇવે પર જંગલના વિસ્તારોમાં વાહન ધીમે ચલાવવા તેવી સૂચના લખેલ હોવા છતાં અહીથી બેફામ પણે પુર ઝડપે વાહનો પસાર થાય છે. જેથી પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી પુર ઝડપે વાહન ચલાવનાર સામે અંકુશ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.