હાલ ઉતરાયણની જોરશોર અને ઉત્સાહથી તૈયારીઓ પતંગ રસિયાઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ શિયાળામાં હજારોની સંખ્યામાં વિદેશી અને અલભ્ય પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે, તે આપણા સહુ માટે ગર્વની વાત છે, પરંતુ આ સમયગાળા દરમિયાન મકરસક્રાંતિનો તહેવાર હોવાથી સતર્કતા રાખવી જરૂરી બને છે. પોરબંદરની બે અગ્રણી સંસ્થાઓ ઉદય કારાવદરા એનિમલ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી આ વર્ષે સાથે મળીને સંયુક્ત રીતે પોરબંદર ખાતે સેવ બર્ડ 2023નો પ્રોજેક્ટ કરશે.
ઉદય કારાવદરા એનિમલ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. નેહલ કારાવદરાના જણાવ્યા મુજબ તેમની સંસ્થા છેલ્લા 12 વર્ષથી પશુ-પક્ષી, રઝળતા પશુઓ માટે સતત કાર્ય કરે છે. લમ્પી ગાયો માટે તેમણે ભારતનું સર્વ પ્રથમ આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યું હતું. આજે પણ 200થી વધુ બીમાર ગાયોને સાચવે છે. 70થી વધુ રખડતા શ્વાનો માટે તેમને ઘરમાં જ હોસ્પિટલ ખોલી છે. ઘાયલ કે બીમાર પક્ષીઓ માટે હંમેશા વેટરનરી ડોક્ટર અને કેરિંગ સેન્ટર તેમજ આધુનિક ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે અને અદ્યતન એમ્બ્યુલન્સ વાન પણ સંસ્થા પાસે છે.
પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સંયોજક ડૉ.સિદ્ધાર્થ ગોકાણી જણાવે છે કે, છેલ્લા 15 વર્ષથી અમારી સંસ્થા ચાલે છે અને એટલા વર્ષોથી તો અમે આ સેવ બર્ડ પ્રોજેક્ટ તો કરીએ જ છીએ. સાથે 24*7 વન્ય જીવો અને પશુ-પક્ષીના બચાવનું કાર્ય પણ કરીએ છે. ઘાયલ, બીમાર કે માનવ વસાહતમાં આવી ચડેલા સાપ, મગર, અજગર તથા વન્ય જીવોનો બચાવ કરી ફરી જંગલમાં મુક્ત કરીએ છીએ. ઘાયલ કે બીમાર પશુ પક્ષીને શક્ય હોય તો સારવાર કરી છોડી દઈએ અથવા વનવિભાગને સોંપી દઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી બંને સંસ્થા પાસે ખૂબ મોટી સભ્ય સંખ્યા છે, જે આખા પોરબંદર જિલ્લામાં ફેલાયેલી છે. એટલે જે જગ્યાએ આવા ઘાયલ પક્ષીની માહિતી અમને મળશે તુરતમાં જ અમે તેમને લઈ સારવાર કરી શકીએ. જરૂરી હશે ત્યાં સામાન્ય સારવાર કરી વનવિભાગને આ પક્ષીઓ સોંપવામાં આવશે. પોરબંદરમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે, વધુમાં વધુ લોકો અમારી સાથે આ કાર્યમાં જોડાવ. કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી નજરમાં આવે તો અમારા હેલ્પલાઇન નંબર 8264101253, 9825919191, 98252 21962 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.