તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી ભક્તોની ભીડ, પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા

બગવદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 પાંડવો પૈકી ભીમે અહીં રેતીનું શિવલીંગ બનાવ્યું હતું. - Divya Bhaskar
5 પાંડવો પૈકી ભીમે અહીં રેતીનું શિવલીંગ બનાવ્યું હતું.
  • ભીમનો ખાંડણિયો આ જગ્યા પર મોજુદ છે, અહીં અનાજ ખાંડી રસોઇ બનાવી હતી

પોરબંદર તાલુકાના કુછડી ગામે આવેલ ખીમેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે મહાભારત કાળમાં વનવાસ દરમિયાન પાંડવો આ પૌરાણિક મંદિરે આવ્યા હતા. પોરબંદર થી 10 કિલોમીટર દૂર કુછડી ગામે ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તક છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર આ શિવ મંદિર 5000 વર્ષ પુરાણું મંદિર છે. એમ કહેવાય છે કે પાંડવો ને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાત વાસ હતો.

તે દરમિયાન પાંડવો આ ભૂમિમાંથી પસાર થયેલ તે દરમિયાન અર્જુનને શિવપૂજાનું નીમ હતું પરંતુ આ વિસ્તારમાં ક્યાંય પણ તે સમયે શિવ મંદિરના હોવાથી પાંડવો અકળાયા હતા અને એક બાજુ ભીમને ખુબજ કકડીને ભૂખ લાગી હતી. જેથી ભીમે યુક્તિ વાપરી ભાઈઓને બીજી બાજુ શિવલિંગ શોધવા મોકલી પાછળથી ભીમ દ્વારા આ જગ્યાએ રેતીનું શિવલિંગ બનાવી ભાઈઓને સાદ કરી બોલાવેલ અને અર્જુનને કહેલ કે તમો શિવ પૂજા ચાલુ કરો તે દરમિયાન હું ભોજનની વ્યવસ્થા કરું છું અને હાલ આ જગ્યાએ ભીમનો ખાંડણિયો મોજુદ છે.

ત્યાં ભીમ દ્વારા અનાજ ખાડી રસોઈ બનાવવામાં આવેલ ત્યારબાદ અર્જુનને શિવ પૂજા પૂરી થતા સૌ ભાઈઓ જમવા બેસતા ભીમે કબૂલાત કરેલી કે અહીં શિવલિંગ હતું નહીં પરંતુ મને ભૂખ લાગી હોવાથી તમોને બીજી બાજુ મોકલી મેં રેતીમાંથી શિવલિંગ બનાવેલ છે, ત્યારે અર્જુને કહેલ કે રેતીનું શિવલીંગ હોય તો મેં શિવલિંગ ઉપર જળધારા કરેલી તો રેતીનું શિવલિંગ ટકી શકે નહીં. આ શિવલિંગ પથ્થરનું છે જેથી ભીમને આશ્ચર્ય થયું કે મેં જાતે રેતીનું શિવલિંગ બનાવેલ છે તો પથ્થરનું શિવલિંગ હોઈ શકે નહીં. જેથી ભીમે આ શિવલિંગને હલાવતા તે શિવલિંગ હલ્યું પણ નહીં.

પૂજારી પરિવાર ના જણાવ્યા મુજબ આ શિવલિંગ ઉપર ભીમના આંગળાની છાપ હજુ પણ જોવા મળે છે અને આ શિવલિંગનું નામ ભીમૅશવર મહાદેવ રાખવામાં આવેલ પરંતુ પોરબંદરના મહારાણા ખીમાજી જેઠવાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ ત્યારથી મહારાણા સાહેબના નામ ઉપરથી ખીમેશ્વર મહાદેવ તરીકે આ મંદિર પ્રખ્યાત છે.

અહીં ત્રણ વસ્તુ પાંડવ કાળ ના આ વખતની હજુ મોજુદ છે જેમાં શિવલિંગ, ભીમનો ખાંડણિયો અને પાંચ પાંડવના સ્મારક હજુ જેમના તેમ છે ત્યારબાદ સમય વિતતા અહીં ગણેશ મંદિર, નવદુર્ગા મંદિર વિગેરે બનાવવામાં આવેલ છે. આ મંદિર કુછડી દરિયાકાંઠે ખુબજ રમણીય લાગે છે અહીં શ્રાવણ મહિનામાં શિવ ભક્તો દર્શન અર્થે ઉમટી પડે છે અને કાયમી ખીમેશ્વર મહાદેવને લાડુનો થાળ ધરવામાં આવે છે. આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...