પોરબંદરના પાદરમાં સિંહે મુકામ કર્યો છે. ગઇકાલે રાત્રે ચાડેશ્વર મંદિર રોડ પર ગાયનું મારણ થયું છે. ત્યારે પશુમાલિકોએ પોતાના પશુ અંગે સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. પોરબંદરના ઇન્દિરાનગર નજીક હાઇવે થી રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ કર્યો છે. આ વિસ્તારમાં દીપડો પણ મુકામ કરે છે અને છાસવારે દીપડો દેખા દે છે. 20 વર્ષ બાદ સિંહે આ વિસ્તારમાં પોતાનો ડેરો જમાવ્યો છે.
જોકે વન વિભાગ દ્વારા સિંહને રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સિંહે અનેક રઝળતા પશુના શિકાર કર્યા છે. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તારમાં દરિયાઇ પટ્ટી, જંગલ વિસ્તાર, ઝાડી ઝાંખરા, વૃક્ષો અને પાણી તેમજ શિકાર મળી જતા આ વિસ્તાર સિંહ માટે અનુકૂળ છે અને વાતાવરણ પણ અનુકૂળ છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ હાઇવે પર બેરીકેટ મૂકવામાં આવ્યા છે.
ગઇકાલે રાત્રીના સમયે એક ગાયનું મારણ થયું છે. જોકે સિંહે ગાયનું મારણ કર્યું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા જણાવ્યું હતુંકે, આ વિસ્તારમાં સિંહ અને દીપડો વિહરે છે. ખાસ કરીને પશુ માલિકોએ પોતાના પશુને પોતાના સુરક્ષિત વાડા માં રાખવા જોઈએ અને લાઈટના અજવાળે રાખવા જોઈએ.
પશુઓને ચરાવવા લઈ જતી વખતે પણ ગોવાળે સાથે જવું જોઈએ. વાડામાં આવીને જો પશુ માલિકીના ઢોરનો શિકાર થયો હોય તો પશુ માલિકને વળતર મળી શકે છે. પરંતુ પશુ માલિકોએ આ વિસ્તારમાં પોતાના પશુઓને સુરક્ષિત રાખવા જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ તેવી વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.