કરૂણાંતિકા:વિંઝરાણા વાડી વિસ્તારમાં ટ્રેકટર નીચે ચગદાઈ જતાં 9 માસની બાળકીનું મોત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટ્રેકટર ચાલકે આગલા વ્હીલની ઠોકર મારી દેતા દુર્ઘટના બની, ટ્રેકટર ચાલક સામે ગુન્હો નોંધાયો
  • માતા બાળકીને ઝાડ નીચે સુવડાવી ખેતરમાં માંડવી ઉપાડવાનું કામ કરતી હતી

મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ પોરબંદર તાલુકાના વિંઝરાણા ગામે કેશુભાઈ કારાભાઈ ગોરાણીયાની વાડીએ મજૂરી કામ કરવા આવેલ સારાબેન બહાદુર સોમૈયા લસુરિયા નામની 20 વર્ષીય મહિલા તેના પતિ અને તેની 9 માસની શિવકાન્યા નામની દીકરી સાથે 4 માસથી વાડી ખાતે ઝૂંપડું બાંધી રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. ગઇકાલે રવિવારે સવારે આ મહિલા તેની બાળકીને સાથે લઈ રામદેભાઈની વાડીએ માંડવી ઉપાડવાનું કામ કરવા ગયા હતા અને પોતાની બાળકીને આંબાના ઝાડ નીચે સુવડાવી હતી. મહિલાના પતિ અન્ય વાડીમાં મજૂરી કામ કરવા ગયા હતા.

વાડી માલિક રામદેભાઈ ના સગા નિર્મલ ભીમા ચુંડાવદરા ખેતરમાં ટ્રેકટર ચલાવતો હતો. ત્યારે આ ચાલકે જ્યા બાળકી સૂતી હતી ત્યાં પુર ઝડપે ટ્રેકટર ચલાવી ટ્રેકટરના આગલા વ્હીલની ઠોકર બાળકીને લાગી હતી. આ દુર્ધટના ઘટતા ખેતમજૂરો દોડી આવ્યા હતા અને બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્રેકટર ચાલક નિર્મળ ભીમા ચુંડાવદરાએ માનવ જિંદગી જોખમાઈ તે રીતે ટ્રેકટર ચલાવી 9 માસની બાળકીને ચગદી નાખતા તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...