પોરબંદરના દરિયાકિનારે વોક-વે બનશે:ઇન્દ્રેશ્વરથી અસ્માવતી ઘાટ સુધી 12 કરોડનાં ખર્ચે 750 મીટર લાંબો વોક-વે બનાવવાની કામગીરી શરૂ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અહીં વોક-વે બનશે - Divya Bhaskar
અહીં વોક-વે બનશે

પોરબંદર શહેરમાં આખુ વર્ષ પર્યટકો આવતા રહે છે. અહીં આવતા પર્યટકોને સારી સગવડનો લાભ મળે તે રીતે પોરબંદરના ઇન્દ્રેશ્વરથી અસ્માવતી ઘાટ સુધી એક વોક વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદરની સુંદરતાને ચાર ચાંદ લાગે અને અહીંનું પર્યટન વધે તે માટે પોરબંદરની ચોપાટી પાસે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરથી અસ્માવતી ઘાટ તરફ જતા દરિયાકિનારામાં વોકીંગ -વે બનાવવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વર્ષોથી આ દરિયાકિનારો દરિયાના મોજાથી ધોવાઇ રહ્યો હતો. ભૂતકાળમાં આવેલા વાવાઝોડાને લીધે દરિયાકિનારાના આ ભાગની ભેખડો ધોવાઇ ગઇ હતી. તેમજ અહીં કિનારા પાસે આવેલા મહાદેવના મંદિરને પણ નુકસાન થયું હતું. આ બાબતોને ધ્યાને રાખી તંત્ર દ્વારા થોડા સમય પહેલા દરિયા કિનારે થતું ધોવાણ અટકાવવા માટે રૂ. 12 કરોડના ખર્ચે ટેટ્રાપોલની સુરક્ષા દિવાલ બનાવવાનું આયોજન કરાયું હતું અને આ કામનું ખાત મુહુર્ત પણ કરવામાં આવ્યું હતું. હવે ટેટ્રાપોલીની જે આ સુરક્ષા દિવાલ બનાવવામાં આવી રહી છે ત્યાં ટેટ્રાપોલની ઉપર ભરતી નાખી એક વોકીંગ વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ પુરું થયા બાદ અહીં 750 મીટર લાંબો અસ્માવતી ઘાટથી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર સુધીનો રસ્તો બનાવવામાં આવશે.

ટેટ્રાપોલની દિવાલ ખડી થયા બાદ તેના પર સીમેન્ટ કોંક્રીટ પાથરી આ વોક વેની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોરબંદરના પર્યટનનું મુખ્ય આકર્ષણ પોરબંદરની ચોપાટી પણ છે જેથી પોરબંદરની ચોપાટી નજીક આ પ્રકારના વોક વે ની સુવિધા ઉપલબ્ધ થયા બાદ પોરબંદર આવતા પર્યટકો ચોપાટીની મુલાકાત કરશે ત્યારે તેમને દરિયાકિનારે વોકીંગ કરવાનો સુંદર લ્હાવો મળશે. પર્યટકો ઉપરાંત આ વોકીંગ વે બની ગયા બાદ પોરબંદરવાસીઓને પણ દરિયાકિનારાની લગોલગ આ વોકીંગ વે પણ સુંદર વોક કરવાની મજા માણવા મળશે.

હાલ આ કામ પૂરજોશમાં ધમધમી રહ્યું છે અને આગામી એક વર્ષમાં આ કામ પુરુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ દિવાદાંડીથી અસ્માવતી ઘાટ સુધી જીએમબી વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડી વધારાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી પાછળ અંદાજીત રૂ. 5 કરોડથી વધુનો ખર્ચ પણ કરવામાં આવશે.

ઇતિહાસમાં અસ્માવતી નદી અહીંના દરિયાને મળતી હોવાની લોકવાયકા છે
પોરબંદરના દરિયાકિનારામાં હાલ તો કોઇ નદી પોરબંદરના દરિયાને મળતી નથી પરંતુ ભૂતકાળમાં અસ્માવતી નદી પોરબંદરના સાગરમાં ભળતી હોવાની લોકવાયકા પ્રચલિત છે અને તેની સાક્ષી પુરાવતો અસ્માવતી ઘાટ આજે પણ પોરબંદરની ચોપાટી પર અસ્તીત્વ ધરાવે છે.

પોરબંદર પાસે દરિયા કિનારાની નજીક વોક વે બને તેવી સુવિધા છે
દરિયા કિનારે વસેલું પોરબંદર શહેર તેની ચોપાટીને લીધે પ્રખ્યાત છે. પોરબંદરના દરિયાકિનારા પાસે બીચ પોકેટ થોડો છે. બાકીનો ભાગ દરિયાકિનારાની લગોલગ આવેલો હોવાથી અહીં ચોપાટી દરિયાને અડીને બનેલી છે. જેને લીધે ચોપાટી પર ચાલતો માણસ દરીયાની લગોલગ ચાલવાનો આનંદ માણી શકે છે અને દરિયાકિનારાની લગોલગ વોક વે બની શકે તેવી કુદરતી સંરચના અહીં ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...