પોરબંદરમાં ભોઈ સમાજના કડિયા કામ કરતાં શ્રમજીવી શિવભક્તોએ પોરબંદરમાં મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. પોરબંદરમાં આ શિવલીંગ 27 ફુટ ઉંચું અને 149 ફુટ નો વ્યાસ ધરાવતું બનાવવામાં આવી રહ્યું છે જે કદાચ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઉચું અને સૌથી મોટુ થાળું ધરાવતા શિવલિંગ તરીકે ઓળખાશે.
પોરબંદર શહેરમાં આવેલ છાયા વિસ્તારમાં રતનપુર રોડ પર શ્રી મહાકાળી સોસાયટીનું નવનિર્માણ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું અને અહીં આ વિસ્તારમાં સરકારે વર્ષો પહેલા જમીનની ફાળવણી કરી હતી, ત્યારથી ભોઇ સમાજના 200 જેટલા પરિવારો અહીં વસવાટ કરે છે. અને આ પરિવારો મધ્યમ વર્ગના હોય તેમજ કડિયા કામ તથા મજુરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં ભોઇ સમાજની વસાહતમાં કડિયા કામ કરતાં આ રહેવાસીઓ ભગવાન શિવજીના પરમ ભકત હોવાથી આ શિવ ભક્તોએ અહીં એક મહાકાય શિવલિંગનું નિર્માણ કરવાનું કામ હાથ ધર્યું છે.
આ લોકો દ્વારા અહીં 27 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિવલિંગમાં 149 ફૂટનું થાળું બનાવવામાં આવી રહ્યું છે. હાલ આ શિવલિંગ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ભોઇ સમાજના જયેશભાઇ હિંગળાજીયાએ જણાવ્યું હતું કે આ શિવલિંગની નજીકમાં જ ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ કરાશે.
આ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ઉપર ગંગાજીનો અભિષેક થતો હોય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે. તે ઉપરાંત અહીં રામભકત ભગવાન હનુમાનજી ધ્યાનમગ્ન હોય તેવી એક મૂર્તિની પણ સ્થાપના કરાશે. અહીં બનનારા શિવલીંગ ઉપરાંત ગંગેશ્વર મહાદેવનું મંદીર ઉપરાંત હનુમાનજી ધ્યાનમગ્ન હોય તેવી મૂર્તિના નિર્માણનું કાર્ય આવનારી મહાશિવરાત્રીના દિવસે થાય અને તે દિવસે જ તેનું લોકાર્પણ કરી શકાય તે પ્રકારના આયોજનને ધ્યાને રાખી હાલ આ તમામ નિર્માણ કાર્ય ધમ ધમી રહ્યા છે.
વિશાળ શિવલિંગ તૈયાર થયા બાદ અહીં આવનાર શિવભક્તોએ જળાભિષેક કરેલ પાણીનો પૂરેપૂરો સદુપયોગ કરવાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. પાઇપલાઇન મારફતે જ આ પાણીને એકત્રીત કરવામાં આવશે અને શિવલીંગની આસપાસ ફૂલછોડ વાવી બગીચાનું નિર્માણ કરાયેલા બગીચામાં આપોઆપ શિવલિંગના જલાભિષેકનું પાણી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેના લીધે પાણીનો પણ ન બગાડ થાય અને સુંદર મજાના બગીચાને પુરતું પાણી મળી રહે તેવો છે.
શિવલિંગ પર દુધાભિષેકનું દૂધ સેવા કાર્યોમાં વપરાશે
અહીં રહેતા ભોઇ સમાજના જયેશભાઈ દાઉદીયા અને રવિભાઈ દાઉદીયાએ એક ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે. જે અંતર્ગત શિવલીંગ પર કરાતા દુગ્ધાભિષેક અને જળાભિષેક શિવલિંગ નીચેના ભાગે તૈયાર કરાયેલા એક રૂમમાં પાઇપલાઇન મારફતે પહોંચશે અને ત્યાંથી આ દુગ્ધાભિષેક કરાયેલુ દુધ એકઠું કરી તેમાંથી ખીર બનાવી આ ખીર દિવ્યાંગ બાળકો, વૃદ્ધાશ્રમ, સગર્ભા સ્ત્રીઓને તેમજ જરૂરિયાત મંદોને વિનામૂલ્યે અપાશે. તેના લીધે પર્યાવરણનું જતન થાય અને દુધનો ખોટો બગાડ થવાના લીધે તેનો સદુપયોગ કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.