અકસ્માત:પોરબંદર જિલ્લામાં 1 વર્ષમાં વાહન અકસ્માતના 98 બનાવ નોંધાયા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 59 ચાલકોના મૃત્યુ થયા, આજથી 10 દિવસ સુધી હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે ખાસ ડ્રાઇવ શરૂ થશે

પોરબંદર જિલ્લામાં 1 વર્ષમાં 98 વાહન અકસ્માતના બનાવ નોંધાયા છે જેમાં 59 ચાલકોના મૃત્યુ થયા છે. આજથી એટલેકે રવિવારથી 10 દિવસ સુધી હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે ખાસ ડ્રાઇવ શરૂ થશે. ગુજરાત પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા જણાવવામાં આવ્યું છે. રોડ સેફટીને લગત કામગીરીની સમીક્ષામાં બેઠકમાં રાજય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે.

રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની અમલવારી કરાવવા હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા જણાવેલ હોવાથી આજે એટલેકે તા. 6 માર્ચથી થી તા. 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા તથા આ ડ્રાઇવ દરમ્યાન હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવાના રહેશે તેવું જણાવ્યું છે ત્યારે પોરબંદર જિલ્લા ટ્રાફિક સહિત જિલ્લા પોલીસ દ્વારા આજથી હેલ્મેટ નહિ પહેરનાર તથા સીટબેલ્ટ નહિ બાંધનાર ચાલકોને દંડવા તૈયારી કરી છે.

ઉલ્લેખનીય છેકે, પોરબંદર જિલ્લામાં છાસવારે વાહન અકસ્માતો સર્જાઈ છે અને વાહનો સ્લીપ થવાની ઘટના પણ સામે આવે છે. કેટલાક વાહન અકસ્માતમાં સામાન્ય ઈંજા થતા પોલીસ કેસ કરવામાં આવતા નથી. ટ્રાફિક પોલીસ વિભાગ માંથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ પોરબંદર જિલ્લામાં એક વર્ષ દરમ્યાન 98 લોકોના વાહન અકસ્માતના બનાવો નોંધાયા છે જેમાંથી 53 ફેટલના બનાવ એટલેકે સ્થળ પરજ મૃત્યુ થયાનું સામે આવ્યું છે. કુલ 59 વ્યક્તિઓના વાહન અકસ્માતમાં મૃત્યુ થયા છે.

55 વ્યક્તિઓને વાહન અકસ્માતમાં ગંભીર ઈંજાઓ પહોંચી છે જ્યારે 50 વ્યક્તિને વાહન અકસ્માતમાં સામાન્ય ઈંજા પહોંચી છે. વાહન અકસ્માતમા વધુ પડતા એવા લોકો મૃત્યુ પામ્યા છે જેને માથાના ભાગે ગંભીર ઈંજાઓ પહોંચી હતી. હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા ચાલકોના વાહન અકસ્માતે મૃત્યુ થયાની સંખ્યા વધુ છે ત્યારે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અનિવાર્ય બને છે અને તે માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે.

2020માં કેટલા લોકો વાહન અકસ્માતે મૃત્યુ પામ્યા?
2020મા વાહન અકસ્માતે 30 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. એક વર્ષમાં એટલેકે 2021મા 59 વ્યક્તિ વાહન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. વાહન અકસ્માતે મૃત્યુ દર વધી રહ્યો છે.

જિલ્લામાં કેટલા સ્થળ અકસ્માત ઝોન છે?
પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત વધી રહ્યા છે જેમાં પોરબંદરનો જ્યૂબેલી પુલ, કમલાબાગથી કર્લીનો પુલ સુધીના રોડમાં વાહન અકસ્માતો સર્જાય છે. ઉપરાંત નરસંગ ટેકરીથી સુદામા પરોઠા કે જયાં રેલિંગ કાઢી નાખી છે ત્યાં અકસ્માત સર્જાય છે તેમજ ધરમપુર પાટિયા રોડ જ્યા વધુ વાહન અકસ્માત સર્જાઈ છે. અહીં સર્વિસ રોડ નથી બનાવ્યો. ત્યાં ઓવરબ્રિજની જરૂર છે. ચાલકો રોંગ સાઈડમાં ઉતરી જાય જેથી વાહન અકસ્માત સર્જાઈ છે.

આકરો દંડ હળવો કરવો જોઈએ
કોરોનાની મહામારી વચ્ચે વેપારી સહિતના ઉદ્યોગોને આર્થીક મંદીનો સામનો કરવો પડ્યો હતો. કોરોનામાં અનેક લોકોને માસ્કના દંડ ફટકાર્યા હતા. હવે હેલ્મેટ અને સીટબેલ્ટ અંગેની ડ્રાઇવ દરમ્યાન અનેક લોકો દંડાશે. આ દંડ હળવો કરવો જોઈએ. અકસ્માત રોકવા માત્ર દંડનીય કાર્યવાહી નહિ પણ હેલ્મેટ અંગે લોકોને વિવિધ પ્રકારે જાગૃત કરી શકાય છે. - દિલીપભાઈ મશરૂ, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...