પોરબંદર જિલ્લામાં જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમ્યાન વાહન અકસ્માતના 90 બનાવ નોંધાયા છે. આ વાહન અકસ્માતમાં 51 વ્યક્તિના મોત થયા છે જ્યારે 139 વ્યક્તિને ઈજા પહોંચી છે. પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે આ અકસ્માત નિવારવા તંત્ર દ્વારા ખાસ આયોજન કરવું જ રહ્યું.
આમતો વાહન અકસ્માત સર્જાવામાં ટ્રાફિક નિયમના ભંગ હોવાનું વધુ જાણવા મળતું હોય છે. જિલ્લામાં 18 વર્ષથી નીચેની વય ધરાવતા કિશોરો પણ બાઇક ચલાવતા નજરે ચડતા હોય છે તો મોટાભાગના વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પણ નજરે ચડે છે. કેટલાક કિસ્સાઓમાં નશો કરીને વાહન ચલાવતા અકસ્માત પણ સર્જાતા હોય છે.
હાલ વધુ સ્પીડે વાહન ચલાવતા ચાલકો, ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપિયોગ સહિતના ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન જરૂરી બન્યું છે. ટ્રાફિક નિયમનું ચુસ્ત પણે પાલન થાય તે માટે જિલ્લા ટ્રાફિક તથા જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરી ચાલકોને નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હોય છે.
જિલ્લા ટ્રાફિક પોલીસ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, જાન્યુઆરી થી નવેમ્બર એમ 11 માસમાં જિલ્લામાં 90 જેટલા વાહન અકસ્માતના બનાવ નોંધાયા છે. જેમાં કુલ 51 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે આ વાહન અકસ્માત કેસમાં 139 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા છે.
નિયમના ભંગ બદલ 1 માસમાં 646 કેસ કર્યા, રૂ. 5.14 લાખનો દંડ
નવેમ્બર માસમાં જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 646 કેસ કરવામાં આવ્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવા બદલ 76 ચાલકો સામે કુલ રૂ. 38000, શીટ બેલ્ટ ન પહેરવા બદલ 320 કેસમાં રૂ. 1,60,000, ચાલુ વાહને સેલ ફોનનો ઉપીયોગ સામે 162 કેસના રૂ. 81,000, 47 વાહન ડિટેઇન કરી રૂ 2,19,000 તથા કેફી પીણું પીધેલનાં 9 કેસ ઉપરાંત વાહનમાં કાળા કાચ હોય તેવા 32 ચાલકોને રૂ.16, 000નો દંડ ફટકારી કાર્યવાહી કરી હતી.
ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસની અપીલ
અકસ્માતો ઓછાં બને અને માનવ જીંદગી બચે તે માટે ટ્રાફિક નિયમનું ખાસ પાલન કરવું જોઈએ જેમાં વાહન ધીમે ચલાવવું, ચાલુ વાહને સેલફોનનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ ફરજીયાત પહેરો, કેફી પીણું પી વાહન ન ચલાવો, હેલમેન્ટ ફરજીયાત પહેરવાની ટેવ પાડો, વાહન જ્યા ત્યાં પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ અને પ્રજાને સહકાર આપવા ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
હેલ્મેટ પોલીસ દંડ માટે નહિ સેફ્ટી માટે પહેરો
પોલીસ તંત્રએ જણાવ્યું હતુંકે, મોટાભાગના વાહન અકસ્માત દરમ્યાન ચાલકોના મોત હેલ્મેટ ન પહેરવાથી થયા હોવાનું કહી શકાય છે. વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચે છે જેથી ચાલકનું મોત થાય છે. જેથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું એ પોલીસ ના દંડથી બચવા નહિ પરંતુ ચાલકોની સેફ્ટી માટે ખાસ જરૂરી છે.
અકસ્માત રોકવા તંત્ર દ્વારા આયોજન કરવું અનિવાર્ય
જિલ્લામાં વાહન અકસ્માતનું પ્રમાણ વધ્યું છે ત્યારે તંત્ર દ્વારા અકસ્માત ઝોન માં અકસ્માત નિવારવા આયોજન કરવું જરૂરી બન્યું છે. ખાસકરીને હાઇવે તથા જ્યા વધુ અકસ્માત સર્જાતા હોય ત્યાં સર્કલ બનાવમાં આવે તે પણ જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.