પોરબંદર જિલ્લાની પોસ્ટ ઓફિસમાં 68 કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવાથી અરજદારો પરેશાન છે. જિલ્લાભરની 158 પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં કુલ મહેકમ 195 સામે માત્ર 127 જગ્યાઓ ભરાયેલ છે. પોરબંદર શહેર વિસ્તાર અને ગ્રામ્ય પંથકના અનેક લોકો પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલ છે.
અને નાના મોટા કામકાજ માટે તથા સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓ કે જે પોસ્ટ વિભાગ મારફત લોકો સુધી પહોંચે છે, તેનો લાભ લઈ રહ્યા છે. પરંતુ હાલ પોરબંદર જીલ્લાની પોસ્ટ ઓફિસોમાં ટપાલી અને ક્લાર્કની મોટાભાગની જગ્યાઓ ખાલી છે, જેના કારણે અરજદારો પરેશાની વેઠી રહ્યા છે. પોરબંદર જિલ્લાની પોસ્ટ ઓફિસમાં અનેકવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. અને તેનો લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. સુકન્યા સમૃદ્ધ યોજનાથી લઈને પોસ્ટ ઓફિસમાં સેવિંગ સ્કીમ, સિનિયર સિટીઝનો માટેની યોજનાઓની સાથોસાથ સરકારની વિવિધ કામગીરી કાર્યરત હોવાના પગલે અરજદારો યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની સાથોસાથ માસિક આવક યોજના, સેવિંગ સ્કીમ, ફિક્સ ડિપોઝિટ વગેરે ખાતાધારકો પોસ્ટ ઓફિસ ખાતે સેવાનો લાભ લઇ રહ્યા છે.
પરંતુ પોરબંદર જિલ્લાની પોસ્ટ ઓફિસમાં હાલ મેકમની સરખામણીમાં સ્ટાફની ઘટ છે. સ્ટાફની ઘટ હોવાના કારણે અરજદારો સહિતના લોકોને પારાવાર હાડનારી વેઠવી પડી રહી છે. ખાસ કરીને વિધવાઓને સરકાર તરફથી મળતી સહાયના લાભ માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પોરબંદરમાં 195ના મહેકમની સામે 127નો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. હાલ ટપાલી અને ક્લાર્કની 68 જગ્યાઓ ભરવામાં આવી નથી. જેના કારણે પોસ્ટ ઓફિસની સેવાઓનો લાભ લેવામાં અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
શહેરની 3 પોસ્ટ ઓફિસને મર્જ કરાતા મુશ્કેલી વધી
પોરબંદરમાં ત્રણ પોસ્ટ ઓફિસને અગાઉ મર્જ કરવામાં આવી છે. વર્ષ 2018 માં શહેરમાં આવેલ માણેકચોક પોસ્ટ ઓફીસમાં એક કર્મચારી હોવાથી તેને હેડ પોસ્ટ ઓફિસ ખાતે મર્જ કરવામાં આવી છે, તેવી જ રીતે હનુમાન ગુફા પોસ્ટ ઓફિસને એમ જી રોડ પર આવેલ પોસ્ટ ઓફિસમાં મર્જ કરી દેવામાં આવી છે. ઉપરાંત તે સમય દરમિયાન મિલપરા ખાતે કાર્યરત પોસ્ટ ઓફિસમાં એક કર્મચારી હોવાથી તેને ભોજેશ્વર પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં મર્જ કરવામાં આવી છે. જેના કારણે અરજદારોની મુશ્કેલી બમણી બની છે.
વિધવા સહાય માટે મહિલાઓને વેઠવી પડે છે અનેક યાતના
શહેરમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાયની રકમ મેળવવા માટે મહિલાઓ આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને સાજે તેવું વર્તન પણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદો ઉઠી છે.
વિધવા સહાય યોજનાના લાભની રકમ લેવા માટે આવતા મહિલાઓને સમયસર નાણા ન મળતા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. અને એક મહિનાને બદલે બે ત્રણ માસ બાદ તેમને વિધવા સહાયની રકમ મળતી હોવાથી મુશ્કેલીનો સામનો વિધવા અને વૃદ્ધ મહિલાઓને કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.