ઓડદર ગામ ખાતે આવેલા પોરબંદર છાંયા નગરપાલિકા સંચાલિત ગૌ શાળામા વહેલી સવારે પશુઓનું મારણ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગૌ શાળામાં આવેલા ગૌધન પર સિંહ અથવા દિપડા દ્વારા હુમલો કરી શિકાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગૌ શાળા ખાતે ગૌ ધનનું મારણ કરવામાં આવ્યુ હતું. જેમાં 6 પશુઓના મોત થયા છે. જ્યારે અન્ય 6 પશુઓ પર હુમલો કરતા ઘાયલ થયા હતા. ગૌ શાળામાં પશુઓના કમકમાટી ભર્યા મોત થતા જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાને લઇને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
પાલિકા સંચાલિત ગૌ શાળામાં ફેન્સિગ ન હોવાથી આવા બનાવો બનતા હોવાના આક્ષેપ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગૌ શાળાની દિવાલો ફરતે વહેલી તકે ફેન્સિંગ લગાવવા પાલિકા સમક્ષ માગ કરવામા આવી હતી.
પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા કરાઇ માગ
પોરબંદર-છાંયા નગરપાલિકા ગૌ માતાની રક્ષા કરવામાં નિષ્ફળ જતા યુથ કોંગ્રેસે આક્રોશ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું છે કે, જીવદયા પ્રેમીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાએ ગૌ શાળામાં દીવાલ ઊંચી બનાવવા કે ગૌ માતાની રક્ષા માટે કોઈ જરૂરી પગલાં નહિ ભરીને ઘોર પાપ કર્યું છે. એટલું જ નહિ પરંતુ પાલિકા બાગ બગીચા પાછળ કરોડોનો ખર્ચો કરી રહી છે. પણ ગૌધન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ભાજપ શાસિત પાલિકા બજેટ ફાળવવામાં પણ આનાકાની કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગાયોની રક્ષા માટે કોઈ જરૂરી પાગલ નહિ લેવાતા આજે પણ પાલિકા સંચાલિત ગૌ શાળા ખાતે વન્ય પ્રાણીનો શિકાર 6 ગાયો બની છે અને અગાઉ 40 દિવસ પેહલા પણ 9 જેટલી ગાયો શિકાર બની હતી. છતા પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. જે ગંભીર બાબત છે. ત્યારે હવે પાલીકાના સત્તાધીશો જાગશે કે હજુ તેમની જ મનમાની ચલાવશે? તેવો સવાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.