પાણી વિતરણ કરવા માંગ:ફોદાળા ડેમમાં 53 ટકા અને ખંભાળા ડેમમાં 48 ટકા પાણીનો જીવંત જથ્થો

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોદાળા ડેમ - Divya Bhaskar
ફોદાળા ડેમ
  • હજુ સપ્ટેમ્બર માસ સુધી પીવાનું પૂરતું પાણી છે
  • એકાંતરા પુરૂતું પાણી વિતરણ કરવા માંગ

પોરબંદર, રાણાવાવ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ફોદાળા ડેમમાં હાલ 53 ટકા પાણી અને ખંભાળા ડેમમાં હજુ 48 ટકા પાણી ભરેલ છે. હજુ સપ્ટેમ્બર માસ સુધી પીવાનું પૂરતું પાણી છે. પોરબંદરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પોરબંદર, છાયા તથા રાણાવાવ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રાજાશાહીના સમયના ખંભાળા અને ફોદાળા ડેમમાં આગામી સપ્ટેમ્બર માસ સુધી ચાલે તેટલું પૂરતું પાણી છે.

જેમાં ફોદાળા ડેમમાં 12.71 મીલીયન ક્યુબીક મીટર પાણી છે જે તેની કેપેસીટીના પ્રમાણમાં હજુ 53 ટકા ભરેલો છે, જ્યારે ખંભાળા ડેમમાં 7.40 મીલીયન ક્યુબીક મીટર પાણી છે જે તેની કેપેસીટીના પ્રમાણમાં 48 ટકા ભરેલો છે. આમ પોરબંદર ,છાયા તથા રાણાવાવ શહેરને હજુ આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે તેટલું પાણી છે.

આમ છતાં પોરબંદર માં પાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં અનિયમિત રીતે પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક વિસ્તારમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ ન થતા ત્રણ થી ચાર દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે બન્ને ડેમોમાં પૂરતું પાણી હોય જેથી દરેક વિસ્તારમાં એકાંતરા પૂરતું પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખારવાવાડ વિસ્તારોમાં મોટાભાગની ડંકીઓ બંધ
ઉનાળાનો સમય ચાલે છે ત્યારે પીવાના પાણીની જરૂરિયાત વધી જાય છે તેવામાં પાલિકા દ્વારા ખારવાવાડ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું વિતરણ થાય છે. બીજીતરફ મોટાભાગની ડંકીઓ પણ બંધ છે. જેમાં શહીદચોક પોલીસ મથક સામે, શેરી નં.1 શહીદચોક પાસે, જું ફળિયા પાસે, વાંદરીચોક, લાખાણી ફળિયા પાસે, કસ્તુરબા ગાંધીના ઘર નજીક સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ ડંકીઓ બંધ છે જેથી આ ડંકીઓનું તાકીદે પાલિકા દ્વારા રીપેરીંગકામ કરવામાં આવે તેવી રજુઆત સાથે માંગ કરી છે.

હજુ 2 દિવસ પીવાનું પાણી નહીંવત મળશે : નગર પાલિકા
નર્મદાની પાઈપલાઈન રાણાવાવ નજીક લીકેજ થઇ હોવાથી તેનું સમારકામ ચાલુ હોવાથી કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અપૂરતું અને સમયસર વિતરણ થયું ન હતું. તો કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું ન હતું. પાલિકા કર્મીએ જણાવ્યું હતુંકે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા જેટલું પાણી આપવામાં આવ્યું હતું તે વિવિધ વિસ્તારોમાં અપૂરતું વિતરણ કર્યું હતું. હાલ નર્મદા પાઈપલાઈનનું સમારકામ પૂરું થયું છે પરંતુ નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવા માટે હજુ 2 દિવસનો સમય લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...