સિટી સર્વે ઓફિસ અને ડીઆઇએલઆર કચેરી ખાતે 50 ટકા સ્ટાફની ઘટ છે જેને કારણે કામનું ભારણ વધ્યું છે અને કામગીરી ટલ્લે ચડી રહી છે જેને કારણે અનેક અરજદારો પરેશાન છે. 1150 જેટલી વાંધા અરજી 2021થી હજુ પેન્ડિંગ છે. કામગીરી ટલ્લે ચડી રહી છે. પોરબંદર જિલ્લામાં અનેક સરકારી કચેરીઓમાં સ્ટાફની ઘટ જોવા મળે છે જેને કારણે કર્મચારીઓમાં કામનું ભારણ વધે છે અને કામગીરી ખોરવાઈ જાય છે.
શિક્ષણ, પશુ નિયામક કચેરી, માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, પાલિકા કચેરી સહિતની વિવિધ કચેરીઓમાં મહેકમ મુજબ સ્ટાફ નથી. મહેકમ મુજબ કર્મીઓ ની ભરતી થતી ન હોય જેથી વિવિધ કચેરીઓમાં કામગીરી વધી જાય છે અને અરજદારોને પણ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે ખાટલે મોટી ખોડ સર્જાણી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે પોરબંદરની મહત્વની કહી શક્ય તેવી ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ કચેરી એટલેકે, ડી.આઇ.એલ.આરના વર્ગ 2ની જગ્યા ખાલી છે અને હાલ ખંભાળીયાના અધિકારી ચાર્જમાં છે જેના પર પોરબંદર અને અન્ય જિલ્લાનો ચાર્જ પણ હોવાથી કામગીરી પર અસર પડી રહી છે.
પોરબંદરમાં કાયમી ડી.આઇ.એલ.આર વર્ગ-2ની જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. ઉપરાંત સર્વેયરનું પણ મહેકમ છે જેમાંથી સાત જગ્યાઓ ખાલી છે, જેના કારણે જમીન માપણીની ખેતીની અરજીઓ લાંબા સમયથી પેન્ડીંગ છે. મહત્વની કામગીરી ખોરંભે ચડી છે. ભૂતકાળમાં એકની જમીન બીજાના નામે અને વ્યક્તિગત માલિકીની જમીન ગલીમાં તથા રસ્તાઓમાં બતાવવામાં આવી હોય અને તે અંગેની પોરબંદર જિલ્લામાં 1150 જેટલી વાંધા અરજીઓ ઇ.સ. 2021થી પેન્ડીંગ છે અને જમીન માપણી માટેની પણ 650 અરજીઓ પેન્ડીંગ છે
જેના કારણે ગ્રામ્યપંથકમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેના કારણે ફરિયાદો પણ થઇ રહી છે. પોરબંદર જિલ્લાની સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટની કચેરીમાં પણ કર્મચારીઓની અછત છે. જેના કારણે એ કામગીરી પણ ખોરવાઇ ગઇ છે. સીટી સર્વે સુપ્રી. વર્ગ2ની જગ્યા ખાલી છે અને હાલ સિનીયર સર્વેયર એટલેકે એચ.કયુ.એ., ડી.આઇ.એલ.આર. ઓફિસ પાસે તેનો ચાર્જ છે. મેઇન્ટેનન્સ સર્વેયરની 9 માંથી 5 જગ્યા ખાલી છે.
જુનિયરકલાર્કની એક જગ્યા ખાલી છે. પટ્ટાવાળાની 8 માંથી 5 જગ્યાઓ ખાલી છે. આથી કર્મીઓમાં કામનું ભારણ વધ્યું છે અને સ્ટાફની અછતના કારણે અરજીઓ પેન્ડિંગ હોવાને કારણે અરજદારોને મુશ્કેલી પડે છે અને કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમજ સમયસર અરજીઓનો નિકાલ થતો નથી જેને કારણે કામગીરી ટલ્લે ચડી છે. આથી ઘટતા સ્ટાફની ભરતી કરવી જરૂરી બની છે.
સ્ટાફની ઘટના કારણે પ્રોપર્ટી કાર્ડની કામગીરી અટકી હોવાની ફરિયાદ
સીટીસર્વેમાં કર્મચારીઓની ઘટ સર્જાણી છે. સ્ટાફના અભાવ કારણે કામગીરી ખોરવાઈ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષથી પ્રોપર્ટીકાર્ડ પણ આપવામાં આવતા નથી. જેના કારણે શહેરીજનોને લોન લેવામાં કે મિલ્કતના વેચાણમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્ટાફની ભરતી કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત
પોરબંદરમાં વહેલી તકે પૂરતા પ્રમાણમાં ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ કચેરીમાં પૂરતો સ્ટાફ ભરી દેવો જોઇએ તેમજ સિટી સર્વે ખાતે પણ ઘટતા સ્ટાફની તાત્કાલિક ભરતી કરવી જોઈએ તેવી કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.