લાયસન્સ પ્રિન્ટ કરવા કાર્ડનો સ્ટોક નહિ ફાળવતા માર્ચ માસથી એકપણ વાહનચાલકને લાયસન્સ મળ્યું નથી. સ્માર્ટકાર્ડના અભાવે RTOમાં 4200 ડ્રાઇવિંગ લાયસન્સ પેન્ડિંગ છે. ત્યારે વાહન ચાલકો લાયસન્સ માટે રોજ ધક્કા ખાઈ રહ્યા છે. ગત ડિસેમ્બર 2021થી પોરબંદર RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત અને અપૂરતો મળી રહ્યો છે.
પોરબંદર RTOમાં જાન્યુઆરી 2022 થી 28 ફેબ્રુઆરી એમ 2 મહિનામાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ડુપ્લીકેટ, સુધારા, રિન્યુ સહિતના કુલ 2670 લાયસન્સ ઇસ્યુ થયા છે. ત્યાર બાદ 1માર્ચ થી એક પણ વખત સ્માર્ટકાર્ડની કંપની દ્વારા સ્માર્ટકાર્ડનો સ્ટોક મળ્યો નથી. જેના કારણે 4200 લાયસન્સ આરટીઓમાં તૈયાર હોવા છતાં પ્રિન્ટિંગના અભાવે વાહન ચાલકો સુધી પહોંચી શક્યા નથી.
જેથી આવા વાહન ચાલકો દરરોજ લાયસન્સ મેળવવા RTO કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે. એમાં પણ વારંવારના ધક્કાથી કંટાળેલા અરજદારો અને RTOના સ્ટાફ વચ્ચે શાબ્દીક રકઝક થઇ રહી છે. RTO સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્ડનો સ્ટોક ક્યારે મળશે તેની કોઇ જાણ નથી. જેને લઇ હજુ પેન્ડિંગ લાયસન્સની સંખ્યામાં વધારો થઇ શકે છે.
સામાન્ય સંજોગોમાં વધુમાં વધુ 15 દિવસમાં ડ્રાઇવિંગ લાયસન્સ મળતું હતું
વાહન ચાલક ફાઇનલ ટેસ્ટ આપે, રિન્યુ, ડુપ્લીકેટ કે સુધારાની પ્રોસેસના ત્રીજા દિવસે લાયસન્સ પ્રિન્ટ થતું હતું. પ્રિન્ટ થયેલું લાયસન્સ વધુમાં વધુ 7 થી 10 દિવસમાં પોસ્ટ મારફતે જે-તે વાહન ચાલકને તેના ઘરે મળી જતું હતું.
ઓનલાઇન મેળવેલી લાયસન્સ પ્રિન્ટ માન્ય ગણાય છે - RTO
જો કે લાયસન્સ ન હોય તો એમ પરિવહન અને ડીજીલોકરમાં ડીજીટલ સ્વરૂપે મુકેલું ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય છે. આ ઉપરાંત જે અરજદારો એ ડ્રાઈવિંગ લાયસન્સનો ફાઈનલ ટેસ્ટ પાસ કર્યો છે પરંતુ તેમને લાયસન્સનું સ્માર્ટકાર્ડ નથી મળ્યું તેવા વાહનચાલકો સારથી પોર્ટલ પર જઈ પ્રિન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તેમના મોબાઈલ નંબર પર મળેલા એપ્લીકેશન એપ્રુવલ એસએમએસ લીંક પરથી ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સની A4 સાઈઝની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકે છે, પ્રિન્ટ કઢાવી તેને ઉપયોગ માં લઇ શકે છે તેવું RTO અધિકારીએ જણાવ્યું છે.
કેટલાક ચાલકોને ખ્યાલ ન હોતા દંડાઈ છે
ડ્રાઇવિંગ લાયસન્સ ન મળતા કેટલાક વાહન ચાલકોને મોબાઈલમાં પીડીએફ ડાઉનલોડ અંગેનો ખ્યાલ હોતો નથી જેથી આવા વાહન ચાલકો ટ્રાફિક પોલીસ સામે લાયસન્સ અંગેની રજુઆત કરે છે પરંતુ પીડીએફ પ્રિન્ટ ન હોવાના કારણે લાયસન્સ ન હોવાથી કેટલાક ચાલકો દંડાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.