તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:42 વેક્સિન કેન્દ્ર પર શહેરીજનો પરેશાન

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્લોક હેલ્થ ઓફિસ ખાતે વેક્સિન માટે લોકોની પડાપડી, સામાજિક અંતર જળવાયું નહીં - Divya Bhaskar
બ્લોક હેલ્થ ઓફિસ ખાતે વેક્સિન માટે લોકોની પડાપડી, સામાજિક અંતર જળવાયું નહીં
  • પોરબંદર જિલ્લામાં જરૂરિયાત કરતા વેક્સિનના રોજ 2000 ડોઝનો જથ્થો ઓછો મળે છે
  • સોમવારે વેક્સિનનો જથ્થો ન આવતા બપોર સુધી લોકોને હાલાકી પડી, રાજકોટથી વેક્સિનનો જથ્થો મોડો આવ્યો

પોરબંદર જિલ્લામાં જરૂરિયાત કરતા વેક્સિનના રોજ 2000 ડોઝનો જથ્થો ઓછો મળે છે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. ગઈકાલે સોમવારે વેક્સિનનો જથ્થો ન આવતા બપોર સુધી લોકોને હાલાકી પડી હતી અને 42 વેકશીન કેન્દ્રો ખાતે લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. રાજકોટથી વેક્સિનનો જથ્થો મોડો આવ્યો હતો. કોરોના સામે રક્ષણ આપતી વેકશીનની કામગીરી પોરબંદર જિલ્લામાં શરૂ થઈ હતી અને વેકશીન કામગીરી વેગવંતી બનાવવામાં આવતા સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન કામગીરીમાં પોરબંદર જિલ્લાનો પ્રથમ નંબર રહ્યો છે.

ગત 4 તારીખથી 18 + લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે અને જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા બેઠક બોલાવી મેગા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી પોરબંદર જિલ્લામાં દરરોજ 40 થી વધુ વેક્સિન કેન્દ્ર ખાતે વેકશીન આપવામાં આવી રહ્યું છે. ગઈકાલે સોમવારે પણ 42 કેન્દ્ર ખાતે વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાજકોટ ખાતેથી વેક્સિનનો જથ્થો મોડો આવ્યો હતો આથી વેકશીન આપવાની કામગીરી ખોરવાઈ હતી.

દરરોજ પોરબંદર આરોગ્ય વિભાગના કર્મી વેક્સિનનો જથ્થો લેવા માટે રાત્રે 2 વાગ્યે રાજકોટ જવા નીકળે છે અને રાજકોટ ખાતે વેક્સિનનો જથ્થો આવ્યો ન હોવાથી સમયસર પોરબંદર પહોંચી શકાયું ન હતું. સોમવારે સવારે 42 સ્થળો ખાતે રસી લેવા લોકો આવી પહોંચ્યા હતા અને લોકો ટોકન લેવા માટે વહેલા આવી પહોંચતા હોય છે ત્યારે સવારે વેક્સિનનો જથ્થો આવ્યો ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને બપોરે 1 વાગ્યા બાદ આવજો તેવું કહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મહત્વની વાત એ છે કે હાલ વેક્સિન લેવા માટે લોકો તૈયાર થયા છે અને દુકાનદારોને પણ સરકારે વેક્સિન લઈ લેવા માટે તારીખ આપી સમય મર્યાદા બાંધી છે ત્યારે સરકાર દ્વારા પૂરતો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હાલ જિલ્લામાં વેક્સિનનો જે જથ્થો આપવામાં આવે છે તે અપૂરતો જથ્થો છે. દરરોજ 2000 જેટલા વેક્સિનના ડોઝની વધુ જરૂરિયાત રહે છે તેની સામે સરકાર માત્ર 4000 વેક્સિનનો જથ્થો આપી ટાર્ગેટ આપે છે. જિલ્લામાં 6000 વેક્ષીણના ડોઝની જરૂરિયાત છે.

આમ 2000 ડોઝનો જથ્થો ઓછો આપવામાં આવતો હોવાનું આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યું હતું. રાજકોટથી વેક્સિનનો જથ્થો મોડો આવતા સવારથી વેક્સિનેશન કામગીરી ખોરવાયા બાદ બપોરે 1 વાગ્યા પછી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક આવેલ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે સવારથી લોકો રસી લેવા માટે ટોકન લેવા ઉભા હતા બાદ વેકશીન જથ્થો ન આવતા જાહેર કર્યું હતું કે બપોરે 1 વાગ્યા બાદ રસી મળશે. અહીં 200 જેટલી કો વેક્સિન હોવાથી રસી આપવાની શરૂઆત થઈ હતી. જ્યારે રસી લેવા માટે લોકોની લાંબી કતાર લાગી હતી અને સામાજિક અંતર જળવાયું ન હતું. હાલ કોરોના સંક્રમણ ઓછું થયું છે પરંતુ આ ભીડના કારણે ચેપ લાગી શકે છે. આ કચેરી ખાતે સામાજિક અંતર જળવાયું ન હતું.

અત્યાર સુધીમાં કેટલું વેક્સિનેશન થયું?
જિલ્લામાં માત્ર 7 દિવસમાં 40 હજાર વેકશીનના ડોઝ આપવામાં આવ્યા છે. જિલ્લાની 4.77 લાખની વસ્તી સામે અત્યાર સુધીમાં કુલ 3,07,441 ડોઝ અપાયા છે જેમાં 2,24,196 લોકોને પહેલો ડોઝ અપાયો છે એટલેકે 49 ટકા કામગીરી પ્રથમ ડોઝમાં થઈ છે જ્યારે 83252 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. વસ્તી સામે બીજા ડોઝની 18 ટકા કામગીરી થઈ છે.

બપોર બાદ સાંજે 7 વાગ્યા સુધી વેક્સિન અપાશે
રાજકોટથી વેક્સિનનો જથ્થો મોડો આવ્યો હતો. દરરોજ કર્મીઓ રાજકોટ જાય છે પરંતુ રાજકોટ ખાતે જથ્થો આવ્યો ન હતો એટલે મોડું થયું. શનિવારે પણ મોડો જથ્થો આવતા 1 કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી. સોમવારે વેક્સિન મોડી આવી છે એટલે બપોર બાદ વેક્સિન આપવામાં આવશે અને સાંજે 7 સુધી કામગીરી ચાલુ રહેશે. > કવિતાબેન દવે, જિલ્લા આરોગ્ય અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...