સીમાણી ગામે પંચાયતની ચુંટણીમાં હારજીત નું મનદુઃખ રાખી હાલના સરપંચ પર હરીફ ઉમેદવાર સહિત 4 શખ્સે છરી, પાઇપ વડે માર મારતા, સરપંચને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.પોરબંદર તાલુકાના સીમાણી ગામે રહેતા અને હાલ સરપંચનું પદ સંભાળતા વિજય જેશાભાઈ સુંડાવદરા ગઇકાલે રાત્રે 10 વાગ્યે પોતાનું બાઇક ચલાવી ગામના પાદર ના રસ્તેથી પસાર થયા હતા તે દરમ્યાન પાણીના ટાંકા પાછળથી દિલીપ લાખા ઓડેદરા, ભરત અરભમ મોઢવાડીયા તથા અન્ય 4 અજાણ્યા શખ્સ આવી પહોંચ્યા હતા અને સરપંચ પર હુમલો કર્યો હતો.
દિલીપ અને ભરતે છરી મારી હતી જ્યારે અજાણ્યા 2 શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યા હતો. આ અજાણ્યા શખ્સ કારમાં આવ્યા હતા. પગ અને હાથમાં હિચકાર હુમલો થતાં સરપંચ ઈજાગ્રસ્ત બનતા તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરપંચ વિજય પંચાયત ની ચૂંટણીમાં ઊભા હતા અને દિલીપ લાખા ઓડેદરા પણ સામે ઊભા હતા.
ચૂંટણીમાં દિલીપની હાર થતા આ વાતનું મનદુઃખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે બગવદર પોલીસે શખ્સો સામે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ પીએસઆઈ એ.બી. દેસાઈ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, ઇંજાગ્રસ્ત બનેલ સરપંચ વિજયને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.