છેતરપીંડી:વેપારી સાથે 4 શખ્સોએ રૂા. 23 લાખ જેટલી ઉચાપત કરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા હીતેશ મનસુખલાલ થાનકી નામના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરની બહાર રહેતા મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાની, વડોદરાના શ્યામભાઇ, ડ્રાઇવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ તથા કમલેશ હંસરાજ કલોલાએ પૂર્વ આયોજીત કાવતરું રચી છેતરપીંડી કરી છે.

તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાનીએ જી.એસ.ટી. પોર્ટલ ઉપર ભરળી વ્યક્તિના નામે પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી સારો ભાવ અને નફો આપવાની તેમજ સમયસર ડીલીવરી આપવાની વાત કરી હતી તેમજ શ્યામભાઇ નામના શખ્સે તેમને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી માલ તથા ટ્રાન્સપોર્ટના ભાડા પેટે એડવાન્સના કુલ રૂ. 27,85,118 લીધા હતા તેમજ તેનું ઇ વે બીલ જનરેટ કરી તેમની પાસેથી રૂ. 4,18,746 જેટલી રકમ જી.એસ.ટી. પેટે લીધી હતી. પરંતુ આ જી.એસ.ટી.ની રકમ સરકારમાં જમા નહીં કરાવી સરકારી રકમની ઉચાપત કરી આ રકમનું લેણું હીતેશભાઇ પર ઉભું કરી દીધું હતું. ઉપરાંતમાં હીતેશભાઇ પાસેથી માલ અને ટ્રાન્સપોર્ટ પેટે મેળવેલી રકમમાંથી માત્ર રૂ. 5 લાખ પરત કર્યા હતા જયારે કે રૂ. 22,85,118 ની ઉચાપત કરી લીધી હતી.

આ રકમ બાબતે હીતેશભાઇએ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાની પાસે ઉઘરાણી કરતા મંગેશે હીતેશભાઇને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ PI એસ. ડી. સાળુંકેએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...