સંક્રમણ:પોરબંદરમાં મ્યુકર માઇકોસીસના 4 દર્દીના મોત, 4 દર્દી હજુ સંપર્ક વિહોણા

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બન્ને કોવિડ ખાતે 141 દર્દી દાખલ, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું મોત
  • સિવીલ દ્વારા કોવિડ ટેસ્ટના રિપોર્ટ 4 દિવસ સુધી ન આવતા દર્દીઓ મુશ્કેલીમાં

સિવિલમાં મ્યુકર માઇકોસીસના 500 ઇન્જેક્શનની માંગ સામે માત્ર 50 આવ્યા છે. સિવિલ દ્વારા કોવિડ ટેસ્ટના રિપોર્ટ 4 દિવસ સુધી ન આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદરની સિવિલ કોવિડ ખાતે મ્યુકર માઇકોસીસના કુલ 8 દર્દી નોંધાતા આ દર્દીઓને હાયર સેન્ટર ખાતે રીફર કર્યા હતા જેમાંથી 4 દર્દીના મોત થયા હોવાનું સિવિલ સર્જને જણાવ્યું હતું. અન્ય રીફર કરેલ 4 દર્દીના ફોન ન લાગતા તે દર્દીઓની તબિયત વિશે જાણી શકાયું ન હોવાનું જણાવ્યું હતું.

સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે 8 દર્દી મ્યુકર માઇકોસીસના નોંધાયા હતા અને આ દર્દીઓને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હાલ સિવિલ ખાતે મ્યુકર માઇકોસીસના દર્દીઓની સારવાર માટે મહત્વના આધુનિક સાધનો ન હોય જેથી રીફર કરવામાં આવે છે. પોરબંદરની ખાનગી હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસીસની સારવાર માટે કલેકટર સમક્ષ પરવાનગી માંગવાની વાત ચાલી રહી છે. જેથી ટૂંકા સમય માંજ ખાનગી હોસ્પિટલ ખાતે મ્યુકરની સારવાર ચાલુ થવાની શકયતા રહેલી છે. મહત્વની વાત એ છે કે મ્યુકર માઇકોસીસના દર્દીઓને સારવાર માટે એક દર્દીને દિવસમાં 3 થી 4 ઇન્જેક્શન આપવાની જરૂર રહેતી હોય છે ત્યારે સરકારે સિવિલમાં મ્યુકરના ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે અને સરકારી હોસ્પિટલ ખાતેથી આ ઇન્જેક્શનની કિંમત ચૂકવીને ખાનગી હોસ્પિટલને આપવામાં આવશે ત્યારે સિવિલ માંથી મ્યુકરના 500 ઇન્જેક્શનની માંગણી કરવામાં આવી હતી જેમાં માત્ર 50 ઇન્જેક્શન આવ્યા છે. જે જથ્થો અપૂરતો હોવાનું સિવિલ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ બન્ને કોવિડ ખાતે કોરોના પોઝિટિવ અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 141 દર્દી દાખલ છે જેમાંથી 67 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના કોરોના અંગેના કેટલાક ટેસ્ટનો રિપોર્ટ 4 દિવસથી આવ્યો ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. દર્દીઓના સબંધીઓએ જણાવ્યું હતું કે તા. 24 ના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ હજુસુધી આવ્યો નથી.

92 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા, 2ના મોત
પોરબંદરમાં 24 કલાકમાં 65 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 92 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 890 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 65 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં 23 ગામડામાંથી 38 દર્દી સહિત કુલ 65 દર્દી જેમાં 2 વર્ષ, 5 વર્ષ, 9 વર્ષથી 93 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવીલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3930એ પહોંચ્યો છે. જ્યારે 92 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 2660એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન 2 દર્દીના મોત થયા છે. હાલ જિલ્લામાં 328 કેસ એક્ટિવ છે. 262 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં 154672 કુલ ટેસ્ટ થયા છે.

મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શનનો ભાવ
પોરબંદરની સિવિલ ખાતે મ્યુકર માઇકોસીસના 50 ઇન્જેક્શન આવ્યા છે જે ખાનગી હોસ્પિટલને આપવામાં આવશે. આ ઇન્જેક્શન અલગ અલગ કંપનીના રૂ. 5500 થી લઈને રૂ. 6500 સુધીનો ભાવ છે.

સિવિલ અને નર્સિંગ કોવિડની સ્થિતિ
પોરબંદરની સિવિલ કોવિડમાં આઇસોલેશનમા 19 દર્દી, સેમી આઇસોમાં 50 દર્દી, ISO જનરલ વોર્ડમાં 31 દર્દી અને નર્સિંગ કોવિડ ખાતે 41 દર્દી દાખલ છે.

સિવિલ સર્જન અલ્કાબેન કોટકે જણાવ્યું કે, કોરોના અંગેના ટેસ્ટના રિપોર્ટ માટે ક્યારેક મોડા વહેલું થાય છે. હાલ ટેસ્ટની સંખ્યાનો ટાર્ગેટ વધુ છે. સેમ્પલ કલેક્ટ બાદ કૂલિંગ કરવામાં આવે અને હાલ રોટર માટે માત્ર 24 સેમ્પલની કેપેસિટી છે અને તેમાં દોઢ કલાક લાગે. RTPCR મશીનમાં 96ની કેપેસિટી છે જે રિપોર્ટ તૈયાર થતા બે દિવસ લાગે. આમ છતાં રિપોર્ટ વહેલા આપવાનો પ્રયાસ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...