પોરબંદર જીલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને હવે તો પોરબંદર શહેરમાંથી પણ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાવવાનો શીલશીલો સતત ચાલુ જ રહે છે પણ આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોલીસે ગઇકાલે જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 4 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જેમાંથી પોલીસે 116 લીટર દેશી દારૂ તથા 2150 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના મફતીયા પરા રેલ્વેના પાટા પાસે રહેતી રીનાબેન ઉર્ફે રૂડી રામભાઇ ઓડેદરા નામની મહિલાના ઘર પર ગઇકાલે રાત્રીના સમયે પોલીસે દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે ત્યાંથી 16 લીટર દારૂ તથા 150 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો.
જયારે કે પોરબંદરના બરડા ડુંગરમાં આંટીવાળાનેશથી દોઢેક કિલોમીટર દૂર એક ઝાડની નીચેથી પોલીસને દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જેમાંથી 100 લીટર દેશી દારૂ તથા 1600 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો. પોલીસને આ દરોડા દરમિયાન આ ભઠ્ઠીનો માલીક લાખા હમીર ગુરગુટીયા નામનો શખ્સ હાજર નહીં મળતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસને બરડા ડુંગરમાં જ અજમાપાટનેશથી 1 કીમી દૂર રાણના ઝાડ નીચેથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જેમાંથી પોલીસે 200 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો. આ દરોડામાં આ ભઠ્ઠીનો ચાલક બધા જેસાભાઇ રબારી હાજર નહી મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જયારે કે કેશવ ગામના કાંઠેથી બાવળની જાડીઓમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.
પોલીસે આ જગ્યાએથી 200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ બનાવવાનો વિવિધ સામાન મળી આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે રણમલ ઉર્ફે રમલો ખીમાભાઇ મોઢવાડીયા નામના શખ્સને ઝડપી લીધો હતો તથા દુદા વિરમભાઇ કેશવાલા નામનો શખ્સ હાજર નહીં મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં દારૂ બંધી હોવા છતાં દિન- પ્રતિદિન પ્રોહિબીશનના કેસ સામે આવી રહ્યા છે જે દારૂનું વેંચાણ થતું હોવાની સાબીતી પુરવાર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.