પોરબંદર તાલુકાના મોઢવાડા ગામ ખાતે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.મહેશ મોઢવાડિયાની પૂણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવાવામાં આવ્યું હતુ. આ ઉપરાંત અમદાવાદ ખાતે દાખલ થતાં પોરબંદરના દર્દીઓના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મોતિયાંના 9 દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન કરાશે
મોઢવાડા ગામે શ્રીલીરબાઈ માતાના મંદિર ખાતે યોજાયેલ આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ઘણા નિષ્ણાત ડોક્ટર્સે સેવા પૂરી પાડી હતી. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય વિભાગ અને પોરબંદરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. બાળ રોગના નિષ્ણાત, ચામડીના રોગના નિષ્ણાત, ફિઝીશિયન ડોકટર વગેરેએ 350 જેટલા લોકોના રોગનું નિદાન કરી વિનામૂલ્યે દવા પૂરી પાડી હતી. આ ઉપરાંત આંખના ડૉ.નિખિલ રૂપારેલીયાએ દર્દીઓનું નિદાન કરી જરૂરી દવાઓ આપી હતી. 9 જેટલા દર્દીઓને મોતીયાંના ઓપરેશનની જરૂરિયાત જણાતા હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આ દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે.
રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
પોરબંદર અને આસપાસના વિસ્તારના જે દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે, તેમની લોહીની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં મોઢવાડા ગામ અને આસપાસના વિસ્તારના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને 245 બોટલ રક્તદાન કર્યુ હતું. 125 લોકો બ્લડમાં અમુક તત્વોની ઉણપના કારણે રક્તદાન કરી શક્યા નહોતા. આ પ્રસંગે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રામદેવ મોઢવાડિયા, પરબત મોઢવાડિયા સહિતના આગેવાનોએ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.