પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા હાલ 33માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણી દરમ્યાન ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત પોરબંદર એસટી ડેપો અને હાઇવે પર આવેલ હોટલ ધાબાઓના કર્મચારીઓને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.
ચાલુ વાહને અકસ્માત સર્જાય અથવા તો હાઇવે પર કોઈ અકસ્માત થયો હોય અને બસ કે કોઈ અન્ય વાહન ચાલક ત્યાંથી પસાર થાય ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી કેવી રીતે મદદરુપ બની શકાય. જેથી ઇજાગ્રસ્ત માણસને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરળતા રહે અને ત્યાં સુધી ઇજામાં શકય તેટલી રાહત મળી રહે તેવા હેતુથી પોરબંદર ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા એસટી ડેપો ખાતે તથા ચામુંડા ગાર્ડન રેસ્ટોરન્ટ ત્રણ માઈલ ખાતે પ્રાથમિક સારવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાણીતા ટ્રેનર અરવિંદભાઈ રાજ્યગુરુએ તમામ ડ્રાઇવર, કન્ડક્ટરો અને હોટલ ધાબાના કર્મચારીઓને હાઇવે પર કોઈ અકસ્માત થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી કેવી રીતે મદદરૂપ બની શકીએ તેની વિગતવાર પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા તાલીમ આપી હતી. આ પ્રાથમિક સારવાર તાલીમમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ડેપો મેનેજર પરબત મકવાણા તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા સહિતના હોદ્દેદારો અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.