તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીની ચીમનીમાં દટાયેલા 3 શ્રમિકનાં મોત, મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો

પોરબંદરએક મહિનો પહેલા
3 શ્રમિકને ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા.
  • 3 શ્રમિકને ઇજા પહોંચી, 2ને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા
  • પીએમ રૂમે 15 કલાક સુધી ફેકટરીના જવાબદાર કર્મી કે કોન્ટ્રાકટર ન ફરક્યા

રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ગઈકાલે ગુરુવારે બપોરે 3:15 કલાકે દુર્ઘટના ઘટી હતી. 85 મીટરની ચીમનીમાં કામ પૂર્ણ થતાં માચડો છોડાવવા જતા પાઇપ સાથે માચડો પડતા ચીમની વચ્ચે 6 શ્રમિકો દટાઈ ગયા હતા અને આ શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. 9 કલાકના રેસ્ક્યુ બાદ ચીમની માંથી 3 શ્રમિકના મોત નિપજ્યા હતા. જ્યારે 3 શ્રમિક જીવંત નીકળ્યા હતા. આ ત્રણ ઈંજાગ્રસ્ત શ્રમિકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જેમાંથી દારાસિંગ રજાકને મલ્ટીપલ ફેક્ચર તથા કપ્તાનસિંધ રજાકને હેડ ઈંજરી સહિતની ઈંજા થતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડયા છે જ્યારે શ્રીનિવાસ રજાકને પગમાં ઈંજા પહોંચતા પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મહત્વની વાત એ છે કે આ ત્રણેય શ્રમિકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે રાત્રે 2 વાગ્યે લઈ જવામાં આવ્યા હતા અને આ મૃતક શ્રમિકના ગામના જ 2 શ્રમિક સાથે આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીના કોઈ જવાબદાર કર્મી અને કોન્ટ્રાકટર નહિ પરંતુ એક સિક્યુરિટી ગાર્ડને જવાબદારી સોંપી હતી. સવારે 8 : 30 સુધીમાં ત્રણેય મૃતક શ્રમિકના પીએમ થયા હતા બાદ કોઈ જવાબદાર કર્મી ફરકયા ન હતા.

સાથી શ્રમિકોએ જણાવ્યું હતું કે રાતથી તેઓ ભૂખ્યા હતા અને સિવિલ તંત્રના ગાર્ડ સવારે નાસ્તો કરાવ્યો હતો. સિમેન્ટ ફેકટરીની લાપરવાહીથી તેઓ નારાજ થયા હતા અને જ્યાં સુધી સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતક શ્રમિકોના સર્ટી, પોલીસ દ્વારા અને સિમેન્ટ ફેકટરી દ્વારા સર્ટી તેમજ રૂપિયા નહિ મળે ત્યાં સુધી ત્રણેય શ્રમિકના પીએમ થયેલ બોડી નહિ લઈ જઈએ તેવું જણાવી ડેડબોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સાંજે 5 વાગ્યા સુધી પણ કોન્ટ્રાકટર ગૌરવસિંધ કે ફેક્ટરનીના કર્મીઓ પહોંચ્યા ન હતા અને ડેડબોડી પીએમ રૂમના કોલ્ડ સ્ટ્રોરેજમાં પડી રહી હતી.

સિમેન્ટ ફેક્ટરીના સેફટી વિભાગની બેદરકારી : બન્ને સાથી શ્રમિકો
મૃતક શ્રમિકોના સાથીઓએ જણાવ્યું હતું કે ચીમનીમા વચ્ચે જવાનું હતું અને ત્યાંથી લોખંડનો માચડો છોડવાનો હતો. શ્રમિકોએ સેફટી બેલ્ટ બાંધ્યા હતા પરંતુ આ બેલ્ટ સરખા બંધાયા છે કે નહિ તે ચકાસવાની જવાબદારી સિમેન્ટ ફેકટરીના સેફટી વિભાગના કર્મીની રહે છે પરંતુ ચકાસનાર કર્મી માત્ર ડોકું કાઢીને ચાલ્યા ગયા હતા અને સેફટી બેલ્ટ હોવા છતાં શ્રમિકો માચડા સાથે નીચે ખબકયા હતા. અને ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે.

ઘટનાના સાક્ષી ઈજાગ્રસ્ત શ્રમિક 9 કલાક મોત સામે ઝઝૂમ્યો
સિમેન્ટ ફેકટરીમાં ચીમનીમાં દુર્ઘટના ઘટી હતી જેમાં શ્રીનિવાસ રજાક પણ માચડો છોડાવવા સાથે હતો. ઈંજાગ્રસ્ત આ શ્રમિકે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે સેફટી બેલ્ટ જે પાઈપમાં બાંધ્યો હતો તે પાઇપ પણ તૂટ્યો હતો. સેફટી વિભાગ દ્વારા તપાસ થઈ ન હતી જેથી આ બનાવ બન્યો હતો. 6 સાથી ચીમનીમાં વચ્ચે દટાયા હતા અને 8 કલાક સુધી લોખંડના પાઇપ પગ પર હતા જેથી 9 કલાક સુધી ડરના માહોલ વચ્ચે મોત સામે ઝઝૂમ્યો હતો.

કોન્ટ્રાકટર ફરજ ચૂક્યા
બ્રિજેશ રજાક નામના શ્રમિકે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર ગૌરવસિંધ 3 માસના કામનું કહી અને અમને સિમેન્ટ ફેકટરીમાં લાવ્યો હતો અને બસનું ભાડું આપવાની વાત હતી એ પણ આપ્યું ન હતું અને આ દુર્ઘટના બાદ ગૌરવસિંધને અનેક ફોન કર્યા છતાં પીએમ રૂમે આવ્યો નથી.

જવાબદારો સામે ગુન્હો અને મૃતકને રૂ. 25 લાખની સહાય આપવા માંગ
પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ચીમનીમા દુર્ઘટના બની છે અને 3 શ્રમિકે જીવ ગુમાવ્યો છે જેથી જવાબદાર સામે મનુષ્યવધનો ગુન્હો દાખલ કરવામાં આવે અને મૃતક શ્રમિકના પરિવારને રૂ. 25 લાખ સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

મૃતકોના નામ

  1. બિરસિંહ જાટવ
  2. સુનિલ કુશવાહ
  3. બ્રજેન્દ્ર મુનિરામ જાટવ

એમપીના ઈકલોત ગામમાંથી ત્રણ અર્થી એકી સાથે નીકળશે
મૃતક શ્રમિક મધ્યપ્રદેશના સોપુર જિલ્લાના ઇલકોત ગામમાં રહે છે. મૃતક સુનીલને સંતાનમાં ત્રણ દીકરી છે જ્યારે અન્ય બન્ને મૃતક શ્રમિક અપરણિત છે. આ ત્રણેય શ્રમિક એક જ ગામના હોય જેથી ત્રણેય મૃતક શ્રમિકની અર્થી સાથે નીકળશે. ગામમાં શોકનો માહોલ બન્યો છે.

17 કલાક બાદ મૃતદેહ સ્વિકાર્યો
ત્રણેય મૃતક શ્રમિકના પીએમ બાદ સાથી શ્રમિકે જણાવ્યું હતું કે રાત્રે 2 વાગ્યાથી અમે પીએમ રૂમ પાસે બેઠા છીએ અને હજુસુધી અમારા કોન્ટ્રાકટર કે ફેકટરીના જવાબદાર કર્મી 17 કલાક સુધી ડોકાયા નથી. જેથી એક શ્રમિક રાણાવાવ સિમેન્ટ ફેકટરી સુધી ગયો હતો અને મૃતક શ્રમિકોના સર્ટી તેમજ ન્યાય મળશે તેવી ખાત્રી અપાઈ હતી. જેથી 17 કલાક બાદ આ ત્રણેય શ્રમિકના ડેડબોડી સ્વીકારવાની આખરે હા પાડી છે.

સિમેન્ટ ફેક્ટરી અકસ્માત અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં
રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી માં ચીમનીમાં થયેલ અકસ્માત માં ત્રણ શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે તથા ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત બન્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ અંગે રાણાવાવ પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા અકસ્માત અંગે તપાસ કરી જે રીપોર્ટ આપવામાં આવશે તેના આધારે જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવશે હાલ તો અકસ્માતે મોત ની નોંધ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.