કાર્યવાહી:ફાયર સેફ્ટિની NOC ન હોવાથી 3 શાળા સીલ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલો અને સ્કૂલોમાં ફાયર સેફટીના NOC નથી ત્યાં તંત્રએ લાજ કાઢ્યાના આક્ષેપો, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર મૌન
  • પોરબંદર શહેરની સરકારી સ્કૂલમાં સીલ મરાયું

ફાયર સેફટી NOC ન હોવાના કારણે પોરબંદરની સરકારી 3 સ્કૂલ સીલ કરીવામાં આવી છે. શહેરમા અનેક ખાનગી હોસ્પિટલો અને સ્કૂલોમા ફાયર સેફટીના NOC નથી ત્યાં તંત્રએ લાજ કાઢી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે સરકારી મિલકતને સીલ કરવામાં આવી છે. આ અંગે સ્પષ્ટતા કરવા ફાયર ઓફિસરે મૌન સેવી લીધું છે.

અગાવ રાજ્યમાં બનેલ આગની ઘટના ને પગલે ફાયર સેફટીને લઈને સરકાર હરકતમાં આવી હતી અને સરકારી તેમજ ખાનગી બહુમાળી બિલ્ડીંગો, શાળાઓ, હોસ્પિટલોમા ફાયર સેફટીના સાધનો અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોરબંદર શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફટી અંગે સર્વે કરી જરૂરી સૂચના આપી હતી. આમછતાં પોરબંદર શહેરમાં આવેલ સરકારી શાળા, હોસ્પિટલો, ખાનગી શાળાઓ, ખાનગી હોસ્પિટલો ના સંચાલકોએ ગંભીરતા ન લેતા મોટાભાગની સરકારી તેમજ ખાનગી શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે NOC ન લેતા અગાવ પણ અનેક વખત પાલિકા તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી.

આમછતાં મોટાભાગની ખાનગી અને સરકારી સ્કૂલો અને હોસ્પિટલો ખાતે ફાયર સેફટી અંગેના NOC લીધેલ ન હોય જેથી રિઝીયોનલ ફાયર ઓફિસર રાજકોટની સૂચનાથી પોરબંદર પાલિકા તંત્ર દ્વારા પોરબંદર શહેરમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફટી ના NOC ન હોય તેવી સરકારી 3 શાળાને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.

હાલ શહેરની મોટાભાગની સરકારી અને ખાનગી શાળાઓ અને હોસ્પિટલો ખાતે ફાયર સેફટી અંગે NOC મેળવેલ ન હોય તેવા ખાનગી મિલકતો સામે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સીલ મારવાની કામગીરીથી ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા લાગવગ માટે ફોનનો મારો ચલાવવામાં આવ્યો છે. ખાનગી શાળા અને હોસ્પિટલો ખાતે ફાયર NOC ન હોય જેથી તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું સામાજિક આગેવાનો દ્વારા માંગ ઉઠી છે.

સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રે સીલ મારવા માટે તંત્ર શા માટે લાજ કાઢી રહ્યું છે. જોકે એ પણ ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્પષ્ટતા કરવા પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર, ફાયર ઓફિસરએ મૌન સેવી લીધું છે.

ખાનગી સ્કૂલો, હોસ્પિટલો સામે કાર્યવાહી ક્યારે થશે ?
સામાજિક કાર્યકર દિલીપ મશરુએ જણાવ્યું હતું કે શહેરમાં 3 સરકારી સ્કૂલોને સીલ મારી દીધા છે ત્યારે ખાનગી સ્કૂલો અને હોસ્પિટલો પાસે પણ ફાયર NOC નથી. જેથી આવા સંચાલકો સામે પણ તંત્ર લાલ આંખ કરી સીલ મારવાની કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...