દુર્લભ વૃક્ષ:પોરબંદરમાં પ્રાચીન રૂખડાના 3 વૃક્ષ છતાં હેરીટેજ કેટેગરીમાં સમાવેશ નહીં

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણીબાગમાં આવેલા 3 દુર્લભ વૃક્ષને રક્ષણ આપો; આયુર્વેદિક ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી
  • 1000 વર્ષનું આયુષ્ય, 50 ફૂટથી વધુ ઊંચા વૃક્ષમાં ચોમાસામાં જ ઉગે છે પાંદડા

પોરબંદરમાં શહેર મધ્યે આવેલા રાણીબાગમાં અનેક પ્રાચીન વૃક્ષો આવેલા છે. જેમાં રૂખડાનું વૃક્ષ દુર્લભ માનવામાં આવે છે અને તેનું અનેરૂ મહાત્મ્ય આયુર્વેદિક રીતે પણ ખુબ જ મહત્વ જોવા મળે છે ત્યારે આવા વૃક્ષને રક્ષણ આપવા માંગણી ઉઠવા પામી છે. અને પ્રાચીન અને દુર્લભ રૂખડાના વૃક્ષને હેરીટેજ વૃક્ષ જાહેર કરો તેવી રજુઆત થઈ છે. શહેરમાં રાણીબાગમાં આવેલ ખુબ જ ઉંચા અને ઘેઘુર ડાળીઓ ધરાવતા અલભ્ય રૂખડાના ત્રણ વૃક્ષ આવેલા છે. પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીનાં પ્રમુખે જણાવ્યું હતું કે, આ દુર્લભ વૃક્ષને રક્ષણ આપવું જોઈએ.

આ વૃક્ષ 50 ફુટ કે તેથી વધુ ઉંચાઈના છે. તેની છાલનો ગર તાવ, ચર્મરોગ, જુલાબની વ્યાધીમાં ફાયદાકારક નિવડે છે. આ વૃક્ષમાં ચોમાસામાં જ પાંદડા ઉગે છે. ચોમાસુ નજીક છે ત્યારે વરસાદ વરસે એટલે તેમાં સુંદર મજાના પાંદડા અને તેમાં આકર્ષક સફેદ રંગના ફુલો પણ ખીલી ઉઠશે. તેની ડાળીઓ મુળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તેમાં ગલકા જેવા ફળ પણ ઉગે છે.અંદાજે 18 ફુટ કે તેથી વધુ ઘેરાવો ધરાવતા આ વૃક્ષ વર્ષના મોટાભાગના મહીનાઓમાં પાન વગરના રહે છે. લીસી સહેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું થડ ખુબ જ જાડું હોય છે અને થોડી ઉંચાઈને જતાં સાંકડુ થઈ જાય છે.

તેની છાલમાં એડીનસોનીન નામનું કડવું તત્વ હોય છે. ભારતમાં આંગળીના વેઢે જ ગણી શકાય તેટલા જ આવા વૃક્ષો જોવા મળે છે. રૂખડાના વૃક્ષ ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી જીવી શકે છે. ગંભીર આગ લાગી હોય તો પણ આ પ્રકારના વૃક્ષો સંપુર્ણપણે બળતા નથી. વનવિભાગ દ્વારા આવા વૃક્ષોને સુરક્ષીત કરવા જોઈએ કે જેથી તેને રક્ષણ મળી જાય અને આ વૃક્ષને હેરીટેજ જાહેર કરવા જોઈએ.

રાજયના 40 કરોડ વૃક્ષમાંથી માત્ર 62 હેરીટેજ
​​​​​​​રાજયનાં જે રીતે હેરીટેજ ઈમારતોએ અમદાવાદને હેરીટેજ સીટીનો દરજ્જો આપ્યો છે તે રીતે વૃક્ષોને પણ હેરીટેજનો દરજ્જો આપવામા ંઆવે છે. ગુજરાતમા ંજંગલ સિવાયની કુલ વૃક્ષોની સંખ્યા 39.75 કરોડ છે. પણ આ વૃક્ષો પૈકી માત્ર 52 જેટલા વૃક્ષોને જ હેરીટેજ વૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. હેરિટેજ વૃક્ષોની પસંદગી કરવા માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રાણા પ્રતાપ વડ, જોધા આંબ્લી, અર્જૂન સાદડ, કબીર વડ, કંથારપુર વડ જેવા વૃક્ષને હેરીટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

હેરીટેજ વૃક્ષ નક્કી કરવાની ચોક્કસ પધ્ધતિ હોય છે
પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીનાં પ્રમુખે જણાવ્યું હતું કે, હેરીટેજ વૃક્ષની નક્કી કરવા માટે ચોક્કસ પધ્ધતિ છે. જે વૃક્ષની 100થી 500 વર્ષ વચ્ચેની વય થઈ હોય તે વૃક્ષને હેરીટેજ વૃક્ષ તરીકેની પ્રાથમિક લાયકાત હોય છે. આ પછી આ વૃક્ષનું સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વની આંકણી કરાઈ છે. આ પછી વૃક્ષને હેરીટેજનો દરજ્જો આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...