તાલીમ:પોરબંદર જિલ્લાની 234 શાળાની 20 હજાર દિકરીઓ સ્વરક્ષણ અંગેની તાલીમ મેળવશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરાટે એક્સપર્ટ દ્વારા ત્રણ માસમાં તાલીમ અપાશે, સરકારની યોજના મુજબ વિના મૂલ્યે તાલીમનો લાભ મળશે

પોરબંદર જીલ્લામાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ સરકારી ઉચ્ચપ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ મળશે. પોરબંદર સમગ્ર શિક્ષાના ગર્લ્સ એજયુકેશન અંતર્ગત વર્ષ 2022-23 માં પોરબંદર જિલ્લામાં તા. 2 જાન્યુઆરીથી તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવા માટે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંગેની મંજૂર થયેલ જોગવાઈઓ મુજબ શાળાદીઠ 3 માસ દરમ્યાન 212 સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, 22 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 6 થી 12ની કન્યાઓને મંજૂર બજેટની મર્યાદામાં સ્વ-રક્ષણ તાલીમ આપવા જણાવાયું છે ત્યારે આ બાબતે સુરક્ષા સેતું સોસાયટી દ્વારા નકકી થયેલ એજન્સીનું નામ સુચવવામાં આવેલ અને એ એજન્સી મુજબ એકસટ્રીમ માર્સલ આર્ટસ એન્ડ ફીટનેસ એકેડમી, પોરબંદરના કેતન કોરિયા ટીમ દ્વારા સ્વરક્ષણ તાલીમની કામગીરી સોપવામાં આવેલ છે.

એક અઠવાડીયામાં કોઈપણ 2દિવસ કોઈપણ 2 તાસમાં તાલીમનું આયોજન કરવામાં આવશે. 3 માસ દરમિયાન દીકરીઓને 24 સેશનની તાલીમ આપવામાં આવશે. દીકરીઓને પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો-કરાટે, ફાઈટ -કરાટે જેવી પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ દરેક દીકરીને એજન્સી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. 20 હજાર જેટલી દીકરીઓ 3 માસમાં સ્વ રક્ષણ ની તાલીમ વિનામૂલ્યે મેળવશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...