પોરબંદર છાયા વિસ્તારમાં અનેક બહુમાળી મિલકતો આવેલ છે જેમાં ફાયર સેફ્ટી અંગે એનઓસી મેળવેલ નથી જેથી પાલિકા દ્વારા આવા 105 જેટલા આસામીઓને આખરી નોટીસ ફટકારી છે અને મકરસંક્રાંતિ બાદ બહુમાળી બિલ્ડિંગ ને સીલ મારવાની કામગીરી વેગવંતી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમની કલમ હેઠળ બિલ્ડીંગનું ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવાનું હોય છે ત્યારે પોરબંદરમાં અનેક બહુમાળી બિલ્ડિંગો છે જેઓએ ફાયર સેફ્ટી ના સાધનો કે ફાયર સેફ્ટી સાધનો વિકસાવ્યા અંગેનું એનઓસી મેળવેલ નથી જેથી પોરબંદર પાલિકા દ્વારા 108 જેટલા બહુમાળી બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને ફાયર સેફ્ટી અંગેનું એનઓસી મેળવી લેવા આખરી નોટીશ આપી છે.
બિલ્ડીંગમાં ફાયર સીસ્ટમ કાર્યરત રાખી તેમનું ફાયર સર્ટી મેળવવાનું હોય છે. હાઇકોર્ટના ઓરલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ ફાયર વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરી તાત્કાલીક ફાયરવ્યવસ્થા પૂર્ણ કરી ફાયર સર્ટીફિકેટ મેળવવું. આમ છતાં નોટીશ મળ્યા બાદ પણ ફાયર સર્ટિ મેળવેલ ન હોય તેવા બિલ્ડિંગમાં સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.
રીજીયોનલ ફાયર ઓફિસર રાજકોટના આદેશથી સીલ મારવાની કાર્યવાહી ફાયર ઓફિસર રાજીવ ગોહેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં કમલાબાગ સામે આવેલ શ્રીજી ટાવર માં દરવાજે સીલ મારવામાં આવ્યું હતું તેમજ વાડીપ્લોટ શેરી નં 1માં આવેલ વિવેકાનંદ એપાર્ટમેન્ટ ના એક દરવાજામાં સીલ મારવામાં આવ્યું હતું.
બાદ આ અંગે અન્ય જિલ્લા ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, આગ ની ધટના બને તો સ્કૂલ, હોસ્પિટલ, હોટલો સહિતની બહુમાળી બિલ્ડિંગમાં મોટી જાનહાની અને માલહાની સર્જાઈ શકે છે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર સેફ્ટીના સાધનો અંગે માર્ગદર્શન હોય તો ફાયર બ્રિગેડ ટીમ આવે તે પહેલા જ આગ પર કાબુ આવી શકે અને જાનહાની ટળી શકે જે માટે સરકાર દ્વારા બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી મેળવી લેવા ગંભીરતા દાખવવામાં આવી છે.
જેથી પોરબંદરમાં આખરી નોટીશ આપી છે અને મકરસંક્રાંતિ બાદ જો બહુમાળી બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિ કામગીરી નહિ કરે તો સીલ મારવા તેમજ પાણી અને ગટર કનેક્શન કટ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે.
શ્રીજી ટાવરના વેપારીઓ પાલિકા ખાતે પહોચ્યા
ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કમલાબાગ શ્રીજી ટાવર ખાતે એક દરવાજે સીલ માર્યા બાદ આજે ગુરુવારે સવારે ટીમ ફરી સીલ મારવા પહોંચી હતી. અહી અનેક દુકાનો આવેલ હોય જેથી વેપારીઓ એકઠા થયા હતા અને મુદ્દત આપવા રજૂઆત કરવા પાલિકા ખાતે દોડી ગયા હતા. વેપારીઓએ ચીફ ઓફિસરને ફાયર સેફ્ટી અંગે વર્ક ઓર્ડર તથા કામ શરૂ કરી દેવામાં આવશે તેવી શરતે મુદ્દત માંગી હતી જેથી ચીફ ઓફિસરે વેપારીઓને સોમવાર સુધીની મુદત આપી છે.
ફાયર સેફ્ટીના સાધનો અંગેના શું છે નિયમો ?
ફાયર સેફ્ટીના સાધનો અંગે 9 મીટર થી વધુ ઊંચી ઈમારત હોય તેવા બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર સેફ્ટી અંગે એનઓસી હોવું જરૂરી છે જ્યારે 9 મીટરથી નીચેની બહુમાળી બિલ્ડીંગમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો વસાવવાના હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.