પોરબંદર જિલ્લામાં સર્પદંશના બનાવો વધી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં સાપ બહાર નીકળતા હોય છે, માત્ર એક જ અઠવાડીયામા 11 વ્યક્તિને સાપ કરડતા તેઓને સારવાર હેઠળ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં સર્પદંશના કેસો વધી રહ્યા છે. માત્ર એક જ અઠવાડિયામાં એટલેકે, તા. 23 થી 30 જુલાઈ સુધીમાં ભાવસિંહજી સરકારી હોસ્પીટલ ખાતે 11 વ્યક્તિને સાપ અને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે દાખલ થયા છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી જતું હોવાથી સાપ અને ઝેરી જનાવર બહાર નીકળતા હોય છે. ગ્રામ્ય પંથકમાં અને વાડી વિસ્તારમાં સાપ બહાર નીકળતા હોય છે. ચોમાસામા શરૂઆતમાં પોરબંદર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. અને ખેડૂતો વાવેતર કરતા હોય છે. માત્ર એક જ અઠવાડિયામાં સાપ કરડવામાં 11 કેસ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે નોંધાયા છે.
જેમાં આદિત્યાણા ગામે રહેતો ભરત મનજી ચોસિયા નામનો 31 વર્ષીય યુવાન, માધવપુર ઉધર વિસ્તારમાં રહેતો રામશી તેજાભાઈ ધરસંડા નામનો 32 વર્ષીય યુવાન, રાણાવાવ મહેતાવાવ વાડી વિસ્તારમાં રહેતો ભુરસિંગ નાથુ ડોડવે નામનો 25 વર્ષીય યુવાન,જામ રાવલ ગામે રહેતા પાર્થ વેજા અમર નામના 26 વર્ષીય યુવાન, કેશવ ગામમા રહેતો રામ બાબુભાઇ કેશવાલા નામનો 29 વર્ષીય યુવાન, પાછતરડી ગામનો ખીમાં મેસુરભાઈ કોડિયાતર નામનો 25 વર્ષીય યુવાન, મંડેર ગામે રહેતો મનોજ જેન્તીભાઈ વાજા નામનો 25 વર્ષીય યુવાન,ભરવાડા ગામના કારાભાઈ સીદીભાઈ મોકરિયા નામના 60 વર્ષીય વૃદ્ધ, જાંબુ ગામના જશુબેન દેવાભાઈ જોગલ નામના 42 વર્ષીય મહિલા, બાપોદર ગામે રહેતા અરભમ દેવશી બાપોદરા નામના 50 વર્ષીય આધેડ અને રિણાવાળા ગામે રહેતા મેરામણ પૂજાભાઈ હુણ નામના 32 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. આ 11 વ્યક્તિને સાપે દંશ દેતા તેઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સાપ દંશ આપે ત્યારે અંધશ્રદ્ધામાં ન પડવું
પોરબંદર જિલ્લામાં 4 પ્રજાતિના સાપ ઝેરી છે બાકીની પ્રજાતિના સાપ બિનઝેરી છે. સાપ કરડે ત્યારે ઘણા લોકો ભુવા પાસે મંત્ર, દોરા, ધાગા અને ભભૂતિ લેવા જતા હોય છે પરંતુ આવી અંધશ્રદ્ધામા પડવાને બદલે સાપ કરડે ત્યારે તુરંત હોસ્પિટલે પહોંચવું જોઈએ તેવું તબીબે જણાવ્યું છે.
સાપ અવાવરું જગ્યાએ આશરો શોધે છે જેથી ઘર અથવા વાડામા ભંગારની ચીજો, ઘાસ, લાકડા, છાણા સહિતનો ઢગલો ન રાખવો જોઈએ. સફાઈ કરવી જોઈએ. ખેતરમાં કામ કરતી વખતે અથવા શાંજ- રાતના સમયે વાડી બહાર અથવા વાડીમાં જતી વખતે, ખેતરમાં કામ કરતી વખતે બુટ પહેરવા જોઈએ અને જાડા કાપડના પેન્ટ અથવા જીન્સ પહેરવું જોઈએ. > ડો. સિદ્ધાર્થ ગોકાણી, પ્રકૃતિ ધ યુથ સોસાયટી, સર્પવિદ, પોરબંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.