મતદાન:પોરબંદર જિલ્લામાં 109 શતાયુ મતદારો મતદાન કરશે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ઓછા શતાયુ મતદારો ધરાવતા 5 જિલ્લામાં પોરબંદરનો પણ સમાવેશ

પોરબંદરમાં 109 શતાયુ મતદારો મતદાન કરશે. સૌથી ઓછા શતાયુ મતદારો ધરાવતા 5 જિલ્લામાં પોરબંદરનો પણ સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે.

જેમાં રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદર જિલ્લામાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે. ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મતદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ-12 ડી ભરીને આપ્યું છે, તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે. આમ પોરબંદર જિલ્લામાં કુલ 109 શતાયુ મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...