​​​​​​​માર મારી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય:વરવાડામાં 10 શખ્સોએ ઘરમાં ઘૂસી લૂંટ કરી, ફાર્મ હાઉસમાંથી મોબાઇલ, બાઇક, સોનાના દાગીના, રોકડ લૂંટી ગયા

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાણાવાવ તાલુકામાં ધાડ; રાત્રી 11 વાગ્યાના અરસામાં વિપ્ર પરિવારને માર મારી શખ્સો રૂા. 82500નો મુદ્દામાલ લૂંટી ગયા

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વરવાળા ગામે ગત તા. 20/11/2022 ને રવિવારની રાત્રે વાડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર પરિવાર પર 8-10 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને આ પરિવાર પાસેથી રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ. 82500 ની લૂંટ ચલાવી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ તાલુકાના વરવાળા ગામે હનુમાન વાડી વિસ્તારમાં ગુરૂકૃપા હોટેલની સામે નિહાર ફાર્મ હાઉસમાં રહેતા લાલજીભાઇ ડાયાભાઇ લગધીરના ઘરે રાત્રીના 11 વાગ્યાના અરશામાં 8 થી10 જેટલા શખ્સો લાકડાના ધોકા સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સાક્ષી જમનાબેન, હર્ષીતાબેનને જેમફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા ઢસડીને મકાનના રૂમમાં પૂરી દીધા હતા.

બાદમાં લાલજીભાઇના પેન્ટના ખીચામાં રહેતા રોકડ રૂ. 4000, 1 મોબાઇલ કિંમત રૂ. 3000, જમનાબેનને પહેરેલી સોનાની બુટી વજન આશરે 1 તોલુ કિંમત રૂ. 25000, 1 સાદો મોબાઇલ ફોન કિંમત રૂ. 500 સહિતનો મુ્દામાલ લૂંટી લીધો હતો તથા લાલજીભાઇના દિકરા યોગેશને પણ આડેધડ માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને તેના ખીસ્સામાંથી રોકડ રૂ. 17000, 1 મોબાઇલ કિંમત રૂ. 3000 તથા ફળીયામાં પડેલ મોટર સાયકલ નં. GJ-06-MQ-3653 કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 82500 નો મુદામાલ લૂંટી ગયા હતા. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

ટોલનાકા પાસે થયેલ ચોરીની ઘટનામાં આજ ગેંગ સામેલ
તાજેતરમાં વનાણા ટોલનાકા નજીક ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે રાણાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. બાદ વરવાળા ગામે પણ આ રીતની ઘટના બનતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું છેકે, આ ગેંગ ટોલનાકા પાસે પણ ચોરીમાં સામેલ છે.

આ ગેંગ દ્વારા અન્ય જિલ્લામાં પણ આ રીતે લૂંટ ચલાવી હશે
પોલીસે જણાવ્યું છેકે, માર મારી અને લૂંટ ચલાવનાર ગેંગ સક્રિય થઈ છે અને પોરબંદરમાં આ રીતે માર મારી લૂંટ ચલાવવા ની ઘટના પ્રથમ વાર બની હોય તેવું જણાઈ આવે છે. આ ગેંગ ને પકડવા પોલીસ દ્વારા નાકાબંધી તેમજ ટેકનિકલ સર્વેલન્સ પર કામ કરે છે. આ ગેંગ દ્વારા અન્ય જિલ્લામાં પણ આ રીતે ગુન્હા નોંધાયા હોવાની શક્યતા છે. આ ગેંગ ઝડપાશે ત્યારે અનેક ગુન્હાના ભેદ ખુલશે તેવું પોલીસ માની રહી છે.

અન્ય સમાચારો પણ છે...