આર્થિક બોજામાં વધારો:પોરબંદર છાયા પાલિકા દ્વારા મિલકત વેરામાં 10 ટકાનો વધારો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર બે વર્ષે સરકારના ઠરાવ મુજબ મિલકત વેરામાં વધારો કરવામાં આવે છે

પોરબંદર છાયા પાલિકા દ્વારા મિલકત વેરામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દર બે વર્ષે સરકારના ઠરાવ મુજબ મિલકત વેરામાં વધારો કરવામાં આવે છે જેથી મિલકત વેરામાં 10 ટકાનો વધારો કર્યો છે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પોરબંદર છાયા પાલિકા શહેર તથા બોખીરા, ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની જનતાને તથા લાગતા વળગતા મકાન માલિકોને તથા વહીવટકર્તાઓને સરકારના આદેશ અનુસાર રાજયની તમામ પાલિકાઓમાં એકસમાન ક્ષેત્રફળ-કારપેટ એરીયા આધારિત મિલકત વેરા તા. 1 એપ્રિલ 2008થી લાગુ પાડવામાં આવેલ છે, જે મુજબ 2022-23ના વર્ષની આકારણી યાદી હાઉસટેકસ વોર્ડ નં. 1 થી 12 તથા બોખીરા, ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની તૈયાર કરવામાં આવી છે.

ક્ષેત્રફળ- કારપેટ એરીયા આધારીત મિલ્કત વેરા પધ્ધતિના નીયમ અનુસાર મિલ્કત વેરાના દરમાં દર 2 વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. જેથી તા. 1 એપ્રિલ 2022 થી મિલ્કતવેરાના દરમાં 10 ટકાનો વધારો કરવાનુ મંજુર કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતુંકે, સરકારના 2008ના ઠરાવ મુજબ દર 2 વર્ષે મિલકત વેરો વધારવામાં આવે છે જે અનુસંધાને મિલકત વેરામાં 10 ટકાનો વધારો કર્યો છે. અન્ય વેરામાં વધારો કર્યો નથી.

લોકો પર આર્થિક બોજ વધી જશે
મિલકત વેરામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે હાલ કોરોના બાદ મંદી અને બાદ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે મિલકત વેરામાં 10 ટકા વધારો કર્યો છે જેથી લોકો પર આર્થિક બોજો વધશે જેથી સરકારે આ અંગે ફેર વિચારણા કરી મિલકત વેરા પર 10 ટકા અંગે શહેરીનજોને રાહત મળે તેવો નિર્ણય કરવો જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું.

પહેલા પ્રાથમિક સુવિધા આપો
શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં રઝળતા પશુઓનો ત્રાસ છે, કેટલાક વિસ્તારોમાં બ્લોક તૂટી ગયા છે, ભૂગર્ભ ગટર જામ થાય છે. ગંદુ પાણી માર્ગો પર ફરી વળે છે, ગંદકી ની સમસ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પહેલા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. મિલકત વેરામાં 10 ટકાનો વધારો વ્યાજબી નથી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...