કાર્યવાહી:મિયાણી ગામે 10 ગેરકાયદેસર ખાણ ઝડપાઇ, 1 કરોડથી વધુના વાહનો જપ્ત

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતઅધિકારી અને મામલતદારનું મેગા ઓપરેશન : 12 પથ્થર કટીંગ મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

મિયાણી ગામે પ્રાંતઅધિકારી અને મામલતદારે દરોડો પાડી 10 ગેરકાયદેસર ખાણ માંથી રૂ. 1 કરોડથી વધુના મશીનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીના દરિયાઈ પટ્ટી પર ખાણ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી અને પથ્થરોનું ખનન થાય છે. ત્યારે ગેરકાયદેસર ખનન અટકાવવા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સોમવારે પ્રાંત અધિકારી કે.વી. બાટી, મામલતદાર શ્રીમતી કુબાવત, એસ. જાદવ સહિત અધિકારીઓની ટીમે મિયાણી ગામે ચોક્કસ બાતમીના આધારે અન્ય રોડ પરથી આવી દરોડો પાડ્યો હતો. જેમાં 10 ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.

સરકારી પડતર જમીનમાં 7 ખાડા તેમજ રામદે વજશીની, કરુભા વરજાંગ જડિયા અને પ્રવીણ અરજણ ગરેજાની ખાણ એમ કુલ 10 ખાણ ગેરકાયદેસર રીતે ચાલતી હતી જેમાંથી 12 પથ્થર કટિંગ મશીન, 2 જનરેટર, 2 ટ્રેકટર, 1 હિટાચી, 2 ટ્રક, 1 લોડર, 1 ટ્રેલર કબ્જે કર્યા છે જેની અંદાજીત કિંમત રૂ. 1 કરોડ જેટલી થાય છે. અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાણ પર દરોડો પાડી ઓપરેશન પાર પડયા બાદ ખાણખનીજની ટીમ દ્વારા માપણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાદ આ શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...