તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરૂ વાવેતર:પાણીદાર ખેડૂતોએ લાપસીના આંધણ મૂક્યા

કુતિયાણા/પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં ચોમાસા પહેલા 12 ટકા ખેડૂતોએ મગફળી અને 12 ટકા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું
  • બરડા, રાણાવાવ વિસ્તારના ગામડા, કુતિયાણાની ભાદર નદી આસપાસ આવેલા ગામડાઓમાં આગોતરૂ વાવેતર કરાયું

પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી વરસાદ સારો પડતો હોવાના લીધે જમીનના સ્તર પાણીદાર હોવાથી જિલ્લામાં ચોમાસા પહેલા જ 12 ટકા ખેડૂતોએ મગફળીનું અને 12 ટકા જેટલા ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. મગફળી અને કપાસના રોકડીયા પાકના વાવેતરનો ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી શ્રીગણેશ કર્યા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી શ્રીકાર વરસાદ વરસ્યો હોવાના લીધે જિલ્લાના નાના-મોટા તમામ ચેકડેમો છલકાઇ ગયા હતા, તમામ જળાશયો અને તળાવો જળબંબાકાર બન્યા હતા. કુતિયાણા ગામેથી પસાર થતી ભાદર નદીમાં ગત ચોમાસાના પાણીનો સ્ત્રોત હજી પણ જોવા મળી રહયો છે અને જમીનના તળમાં પણ સારું એવું પાણી સંગ્રહ થયેલું હોવાના લીધે જિલ્લાના અનેક ખેડૂતોએ આ વર્ષે વાવણીલાયક વરસાદ વરસે તે પહેલા જ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે.

પોરબંદર જિલ્લામાં દર વર્ષે અંદાજીત સરેરાશ 80000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને 10000 હેકટર જેટલી જમીનમાં સરેરાશ કપાસનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે ખેડૂતો પાસે પાણીના અનેક સ્ત્રોત વાવણીલાયક વરસાદ પહેલા જ હોવાથી વાવણીલાયક વરસાદ વરસે તે પહેલા જ જિલ્લામાં 6480 હેકટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું અને 780 હેકટર જમીનમાં કપાસનું આગોતરુ વાવેતર કરી દીધું છે.

જિલ્લામાં થયેલા આગોતરા વાવેતરમાં પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ગામડાઓમાં, રાણાવાવ તાલુકાના બિલેશ્વર આસપાસના ગામડાઓમાં તેમજ કુતિયાણા તાલુકામાં ભાદર નદી આસપાસના ગામડાઓ જેવા કે રોઘડા, બીલડી, ચૌટા, માંડવા, પસવારી અને થેપડા ગામના ખેડૂતોએ મગફળી અને કપાસનું આગોતરા વાવેતરનો લાપસીના આંધણ મૂકી શ્રીગણેશ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...