આવેદન:બેંકના સ્થળાંતર મુદ્દે કુતિયાણા સજ્જડ બંધ

કુતિયાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની આગેવાનીમાં વેપારી એસો. દ્વારા આવેદન પાઠવાયું, 10 દિવસમાં નિરાકરણ નહીં તો ઉગ્ર આંદોલનની ચિમકી

બેંકના સ્થળાંતર મુદ્દે કુતિયાણા સજ્જડ બંધ રહ્યું હતું. ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની આગેવાનીમાં વેપારી એસો. દ્વારા આવેદન પાઠવાયું છે. જો 10 દિવસમા નિરાકરણ નહિ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે. કુતિયાણા શહેરમાં આવેલી દેના બેંક કે જે બેન્ક ઓફ બરોડામા મર્જ થઈ છે. આ બેંક વર્ષોથી કુતિયાણા શહેરમાં કાર્યરત છે.

પરંતુ હાલ આ બેંક સ્થળાંતર થવા જઈ રહી છે. આ બેંક કુતિયાણા થી દૂર દેવડા નાકા નજીક જઈ રહી છે. જેથી વેપારી એસોસીએશન દ્વારા ચાર માસ પૂર્વે વેપારીઓની સહી સાથે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને બેન્કનું સ્થળાંતર નહીં કરવા ઉચ્ચ કક્ષાાએ રજુઆત કરવામાં આવી હતી. આ બેંકના સ્થળાંતરના વિરોધમાં પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા અને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની આગેવાનીમાં વેપારીઓની બેઠક મળી હતી. અને સોમવારના દિવસે વેપારીઓ દ્વારા રેલી કાઢી બંધ પાડવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું.

આ બેંકના સ્થળાંતરના વિરોધમાં સોમવારે તમામ બજારો બંધ રહી હતી એટલું જ નહીં આખો દિવસ બજારો બંધ રાખવામાં આવી હતી. તેમજ બાઇક રેલી યોજી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને પાલિકા પ્રમુખ ઢેલીબેન ની આગેવાનીમાં વેપારી એસોસીએશન દ્વારા બેંકના મેનેજર અને મામલતદારને આવેદન પાઠવી બેંકનું સ્થળાંતર ન થવા અંગે રજુઆત કરી હતી અને જો 10 દિવસમાં આ અંગે યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

બેંક સ્થળાંતર થશે તો વેપારીઓને કેવી કેવી મુશ્કેલી પડશે?
વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ બેંક શહેરમાં આવેલી છે. જો બેંક દેવડા નાકા સુધી જાય તો વેપારીઓને બેંકના કામ માટે દૂર જવું પડે જેથી મુશ્કેલી પડે તેમજ ગામની બજારમાં જ બેંક હોય તો આ બેંકમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આવે તો આ લોકો ખરીદી કરે જેથી વેપાર રોજગાર ને ફાયદો થાય. જો બેંકનું સ્થળાંતર થાય તો વેપારીઓને ધંધા રોજગારમાં પણ માઠી અસર પડે તેમ છે.

વકીલ મંડળે પણ ટેકો જાહેર કર્યો
બેંકના સ્થળાંતર ન થવા અંગે વેપારી એસોસીએશનને વકીલ મંડળે પણ ટેકો જાહેર કરી વકીલાત છોડી બંધના આંદોલનમા જોડાયા હતા.

બેંક સ્થળાંતર થશે તો વેપારીઓ શું કરશે?
જો આ બેંક દેવડા નાકે સ્થળાંતર થશે તો એકીસાથે 1200 જેટલા બેંકના ખાતાઓ બંધ કરવામાં આવશે અને વેપારીઓ પોતાની ફિક્સ ડિપોઝિટ પરત લઈ લેશે તેમજ ખેડૂતો આ બેંકના ખાતાઓ માંથી ધિરાણ ભરી અન્ય બેંકમાં ખાતા ખોલાવશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

ક્યા ક્યા વિસ્તારો બંધ રહ્યા
બેંક ઓફ બરોડાના સ્થળાંતરના વિરોધમાં ગામ બંધનું એલાન અપાતા કુતિયાણાનો ટાવરચોક, ભીંડીબજાર, ગાંધી રોડ, મેઈન રોડ, કાપડ બજાર, કસ્ટમ ચોક સહિતની બજારો આખો દિવસ સંપૂર્ણ બંધ રહી હતી.