સિદ્ધપુર તાલુકાના નેદરા ગામમાં સરસ્વતી નગરમાં તાજેતરમાં ગ્રામ પંચાયત દ્રારા ગટર પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે કામગીરીમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો ગ્રામ પંચાયતના સદસ્યો એ આક્ષેપ કરતા સમગ્ર મામલો " ટોક ઓફ ધ ટાઉન" બનવા પામ્યો હતો. અને આખરે આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપીને કોન્ટ્રાક્ટર દ્રારા કરવામાં આવતી કામગીરીને સ્થગિત કરી દેવામાં આવી છે.
નેદરા ગામના આવેલ સરસ્વતી નગરમાં ગ્રામ પંચાયત દ્રારા ગટર પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનો લેબર કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યો હતો. જોકે આ કામગીરી ને લઇને ગ્રામ પંચાયતના સદસ્યોને શંકાઓ જતા તેઓએ આ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી તેને લઇને સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલા ને લઇને આ કામગીરી કેવી રીતે અને તેમા કેવી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે અને પંચાયત દ્રારા કઈ પ્રકારે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ તે મામલે તપાસના આદેશ આપ્યાં છે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી આ ગટર પાઇપ લાઇનની કામગીરીને સ્થગિત કરી કામ ને અટકાવી દેવામાં આવ્યું છે.
દોષિતો હશે તેનાં વિરૂદ્ધ પગલાં ભરાશે : ટી.ડી.ઓ
સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરી એ જણાવ્યું હતુ કે નેદરા ગામમાં સરસ્વતી નગરમાં ચાલતી ગટર પાઇપ લાઇન નાખવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ મળતા અમોએ તપાસ શરૂ કરી છે જોકે હાલમાં આ તપાસ ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર ને કામગીરી બંધ કરી દેવા માટે આદેશ કર્યા છે અને તપાસમાં જો કોઈ દોષિત જવાબદાર ઠરશે તો તેનાં વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.