ફરિયાદ:ચંદ્રાવતીમાં LED લાઈટોના બદલે બલ્બ નાખી સરપંચે ભ્રષ્ટાચાર આચર્યાની રાવ

સિદ્ધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ દ્વારા ગેરરીતિ કરાયાના આક્ષેપો સાથે સભ્યની TDOને રજૂઆત
  • નિયમ વિરુદ્ધ ચેકના બદલે રોકડું ચુકવણું કરવામાં આવ્યું હોઈ ભ્રષ્ટાચાર આચર્યાની બૂ ઉઠતાં રજૂઆત આધારે ટીડીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ

સિધ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામમાં સરપંચ દ્વારા નિયમો નેવે મૂકી વહીવટ કરી રહ્યા તેમજ પંચાયતમાં ત્રણ ભાવ મેળવ્યા વગર વસ્તુઓની ખરીદી કરી ચેકના બદલે રોકડમાં વ્યવહાર કર્યો હોવા ઉપરાંત ગામમાં એલઈડી લાઈટ નાખવાનો કોન્ટ્રાક્ટ રાખી ફક્ત સાદા બલ્બ ગામમાં લગાવી દેવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સાથે પંચાયતના સદસ્ય દિલીપજી ઠાકોર દ્વારા તંત્રમાં રજુઆત કરાતા ચકચાર મચી હતી.વહીવટમાં ભ્રષ્ટાચારની બુ ઉઠતા રજુઆત આધારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ચંદ્રાવતી ગામ પંચાયતમાં માગેલ માહિતીની ગામના રેકડૅ સાથે ખાતરી કરતા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા 2017થી આજ સુધી કોઈપણ માલસામાન ખરીદીના 3 ભાવો મેળવેલા નથી કે ગ્રામ પંચાયત ઠરાવ બુકમાં ભાવ વંચાણે લેવાની કે મંજૂર કરવાની કે કરાવવાની કોઈ કાર્ય પદ્ધતિને અનુસરેલ નથી.

તેના વગર જ સસ્તા ભાવનુ હલકી ગુણવત્તા વાળુ મટીરિયલ વાપરી સત્તાનો દુરુપયોગ કરી.2017માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી LED લાઈટ નાખવા રૂ.1,93,314નો ખર્ચ કરવા મંજૂરી મળેલ જેમાં એક એલ ઈ ડી લાઇટના સેટની કિંમત તે રૂ.3300 નિર્ધારિત કરેલ પરંતુ સરપંચ દ્વારા વર્ક ઓર્ડરમાં દર્શાવ્યા પ્રમાણે એલઈડી લાઈટની જગ્યાએ સાદા એલઇડી બલ્બ નાખી ઇલેક્ટ્રિકની દુકાનનું રૂ.1,93,314નુ વાઉચર મેળવી સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા ઉચાપત કર્યાનું દેખાઈ રહ્યું છે. તેમજ સરકારના નિયમ પ્રમાણે રૂ.1500થી વધારે રકમનું ચૂકવણું ચેક દ્વારા કરવાને બદલે 2017થી આજ સુધીના રૂ.4,96,291નું ચુકવણું રોકડેથી ચૂકવી છે.તેવા ગંભીર આક્ષેપો સાથે પંચાયતના સભ્ય દિલીપજી ઠાકોર દ્વારા સરપંચ અને તલાટી દ્વારા પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાઈઓ મુજબ વહીવટમાં ગેરરીતિ અને ઉચાપત કરેલ હોય ગુ.પં અધિનિયમની કલમ 57 (1) મુજબ કાર્યવાહી કરવા માટે તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપી છે. તપાસ અધિકારી ગણેશભાઈએ જણાવ્યું કે તાલુકા પંચાયત દ્વારા અરજી આધાર ચંદ્રાવતી ગામના તમામ રેકોર્ડ જમા લેવામાં આવે છે.હાલમાં તમામ તપાસ ચાલુ છે જેનો ટૂંક સમયમાં રિપોર્ટ ઉપલા અધિકારીને સોંપાશે.

નિયમ વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી : સરપંચ
ચંદ્રાવતી ના સરપંચ હરેશભાઇ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે અમોએ નિયમ વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી અને તેઓએ આ કામગીરીના હુકમની તેમજ બિલોની કોપી આર.પી.એ થી મોકલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...