શ્રદ્ધા:લાલપુરમાં સહસ્ત્રકળા મંદિરે મૂર્તિ નહીં ઉગ્ર પીઠ દર્શન

સિદ્ધપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીને નવરાત્રી આઠમે પાણીમાં તળેલી પુરીનું નૈવેજ ધરાવાયા છે

સિદ્ધપુુરથી દક્ષિણ દિશામાં બે કિમિ દૂર આવેલ લાલપુર ગામે ઐતિહાસિક અને પૌરાણિક પ્રાચીન સહસ્ત્રકળા માતાજીનું વેદકાલીન મંદિર આવેલું છે. આ સ્થાનમાં માતાજીની મૂર્તિ નથી પણ ઉગ્ર પીઠ છે. દેવી ભાગવતના પુસ્તકમાં 108 શક્તિપીઠ વર્ણવેલ છે. જેમાંની 71મી શક્તિપીઠ તરીકે સહસ્ત્રકળા માતાજીનો ઉલ્લેખ દેવ માતા તરીકે ઓળખાય છે. નગરના તમામ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પરિવાર દ્વારા માતાજી સમક્ષ 1000 ચંડીપાઠનું પઠન કરી દરેક બ્રાહ્મણે પોતે માતાજીમાં એક એક કળા પ્રસ્થાપિત કરી હતી જેથી માતાજી સહસ્ત્ર કળા તરીકે ઓળખાયા.

સહસ્ત્રકળા માતાજી બ્રાહ્મણ, મોદી, બારોટ સહિત સમગ્ર 18 વર્ણના પરિવારની કુળદેવી તરીકે પૂજાય છે, અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવા શ્રધ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે. આ માતાજી સિદ્ધપુર શહેરની નગર દેવી તરીકે ઓળખાય છે. મહર્ષિ કર્દમ ઋષિ, કપિલ મુનિ અને વાલ્ખીલ્ય ઋષિ વગેરે મહામુનિઓએ માતાજીની આરાધના કરેલી છે.સહસ્ત્રકળા માતાજીની આસો સુદ આઠમના દિવસે પલ્લી ભરવામાં આવે છે.

​​​​​​​માતાજીને નૈવેદ્ય ધરાવવા માટે આજના યુગમાં પણ ઘી કે તેલમાં નહિ પણ પાણીમાં પુરીઓ બનાવવામાં આવે છે જે ચમત્કારથી ઓછું નથી. સહસ્ત્રકળા માતાજીના 64 ખંડ ભરવામાં આવે છે. લાલપુરા ગામના સહસ્ત્રકળા માતાજીની પૂજા અંબાજીની ગાદી પરંપરા મુજબ દર વર્ષે પૂજાનો વારો બદલવામાં આવે છે જેમાં માતાજીના પૂજારી તરીકે નવીનચંદ્ર રાવલ, ખોડીદાસ રાવલ, જશવંતભાઈ રાવલ, પ્રવીણભાઈ ત્રિવેદીના પરિવાર એક એક વર્ષના વારા મુજબ પૂજા કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...