ગુજરાત રાજ્યમાં આવેલા પવિત્ર યાત્રાધામોમાં હવે ભિક્ષુકોને જાહેરમા ભીખ માંગતા રોકવા માટે રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કડક નિયમ બનાવતું જાહેરનામું આશરે અઢી વર્ષ અગાઉ પ્રસિધ્ધ કરવામા આવ્યું હતું. પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરમાં ધાર્મિક તહેવારો, ઉત્સવો, મેળાઓમાં યાત્રાળુઓ તેમજ વિદેશી પર્યટકોનો ઘસારો રહેતો હોય છે ત્યારે સિદ્ધપુરના ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળુઓ ધાર્મિક વિધિ કે દર્શન સંપન્ન કર્યા બાદ યથાશક્તિ દાન ધર્મ કરતા હોય છે.
ત્યારે ધાર્મિક લાગણીનો ગેરલાભ ઉઠાવવા ભિક્ષુકો દ્રારા ધાર્મિક સ્થળો કે જોવા લાયક સ્થળોની આસપાસ અડ્ડો જમાવતા હોય છે. યાત્રાળુ તેમજ પર્યટકોને ભિક્ષા માંગવાના નામે જાહેરમાં જ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકી માનસિક પ્રતાડીત કરતા હોય છે. ભિક્ષાવૃત્તિને વધુ અસરકારક બનાવવા તેમજ આંગતૂકને ભિક્ષા આપવા મજબૂર કરવા ભિક્ષુકોની ટોળકીમાં અનાથ તેમજ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો, સહીત વૃદ્ધ, અશક્ત, મહિલા પુરુષોને પણ જોતરતા હોય છે.આંગતૂક વ્યક્તિ કોઈ એક ભિક્ષુકને કાંઈક આપે તો થોડી જ વારમાં ત્યાં કેટલાય ભિક્ષુકોની ફોજ હાજર થઈ જતી હોય છે.
રાજ્ય સરકાર દ્વારા આવા યાત્રાધામોમાં ભિક્ષુકો દ્વારા ભિક્ષા માંગતા રોકવા ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ 1959 કલમ 1 ( 3 ) મુજબ 10મી જાન્યુઆરી 2020ના રોજ રાજ્યપાલના હુકમ અનુસાર જાહેરનામું બહાર પાડી તેની કડક અમલવારી કરવા આદેશ કરેલો છે. આ નિયમ અંતર્ગત જાહેરમાં ભિક્ષા માંગવી ગુનો બને છે.
આ ગુનાહિત પ્રવૃતિને ડામવા જે તે યાત્રાધામમાં કાર્યરત થનાર ભિક્ષુકગૃહોના સંચાલકો દ્રારા સૌપ્રથમ આવા ભિક્ષુકોને ભિક્ષુકગૃહમાં રાખી તેને સમજાવશે બાદમાં તેને તેના પરિવારમાં પુનઃસ્થાપન કરી તેના વાલીવારસો પાસે તેઓ હવે ભિક્ષા માંગશે નહી તેવી બાંહેધરી લેવાશે.ત્યારબાદ પણ ભિક્ષા માંગતા પકડાશે તો ભિક્ષુકગૃહ સંચાલક સ્થાનિક પોલીસને સંકલનમાં રાખી ભિક્ષુકો વિરૂદ્ધ ફરીયાદ નોંધવશે.
જો ભિક્ષુક ભિક્ષા માંગતા બીજીવાર પકડાય તો 3 વર્ષની સજા જ્યારે ત્રીજી વાર પકડાય તો 10 વર્ષની સજાની કાયદામાં જોગવાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ સિદ્ધપુરમાં છેલ્લાં અઢી વર્ષથી કાગળ ઉપર રહેલો ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ ક્યારે અમલમાં મુકાશે તે એક યક્ષ પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.