સરપંચ વિરુદ્ધ આક્ષેપો:સિદ્ધપુરના નેદરા ગામમાં ગટર લાઇન નાખવામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર લાઇનના સ્થળની ફેર બદલી કરી સરકારી નાણાની ઉચાપત કર્યાની ટીડીઓને રજૂઆત
  • ગૌચર જમીન વાળી જગ્યાએ ગટર લાઇન નાખી હોવાના સરપંચ વિરુદ્ધ આક્ષેપો

સિદ્ધપુર તાલુકાના નેદરા ગામમાં પુનઃ એકવાર ગટર લાઇન નાખવા બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાની રાડ સામે આવી છે. સરપંચ દ્વારા ગટરલાઇનના ઠરાવ મુજબ કામગીરી ના થઈ હોવાના આક્ષેપો સાથે ગામના તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારીને ગામ પંચાયત વોર્ડ 7ના સભ્ય દ્વારા લેખિત રજુઆત કરાઈ છે.

સિદ્ધપુર તાલુકાના પ્રાંત અધિકારી સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટના તાબા નીચે આવતી ATVT અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટ અનુસાર નેદરા ગામે નવીન રાજપૂત વાસમાં રાજપૂત રતનસિંહ વિરમસિંહના ઘરથી કનુજી રેવાજીના ઘર સુધી ખુલ્લી ગટર યોજના હેઠળ ગટર લાઇન માટે નેદરા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરાયો હતો અને જે માટે ગ્રાન્ટની રકમ રૂ.2,50,000 મંજૂર થયેલ હતી.

પરંતુ સ્થળ પર કોઇપણ જાતની ગટર લાઇનનું કામ કરાયું નથી. છતાં તેના બનાવટી બીલો ઉભા કરી કોન્ટ્રાક્ટર તથા મળતીયા દ્વારા સક્ષમ ઓથોરિટી સમક્ષ રજુ કરી બીલના નાણાની ઉચાપત કરી જવાની યોજના ઘડેલ હોવાથી જે અંગેના તમામ બીલના નાણા અટકાવી દેવા તેમજ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સિદ્ધપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જે સ્થળે ગટર લાઇન નાખી છે તે સ્થળ સરપંચના ઠરાવ અનુસાર ન હતું તેમજ તે સ્થળ ગૌચર જમીનમાં ગટર લાઇન નાંખી હતી.

અરજદારને ઉપસરપંચે ધમકી આપી
આ અંગે અરજદારે બે મહિના અગાઉ ટીડીઓને રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી આ બાબતે ટીડીઓ દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા અરજદારની નારાજગી જોવા મળી હતી. અરજદારે ઉપસરપંચ આશિષ દાઉદ નાંદોલીયાને રૂબરૂ વાત કરી તો ઉપસરપંચે અરજદાર સાથે તોછડૂ વર્તન કરીને બિલના નાણાં રોકીને બતાવો તેવો પડકાર ફેકતાં તે અંગે પણ રજૂઆત કરી હોવાનું અરજદાર પંચાયત સદસ્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...