તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોટીચંદુરના 700 વીઘા ગૌચરમાંથી દબાણ હટાવાયું

શંખેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટીચંદુર ગામે ગૌચરની જમીનમાં ટ્રેક્ટર અને જેસીબી વડે ખેતી પાકના વાવેતર દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી અને જુવારનું ઘાસ પશુઓને ખવડાવવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મોટીચંદુર ગામે ગૌચરની જમીનમાં ટ્રેક્ટર અને જેસીબી વડે ખેતી પાકના વાવેતર દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી અને જુવારનું ઘાસ પશુઓને ખવડાવવામાં આવ્યું હતું.
  • જુવાર અને અડદના ઉભા પાકમાં ટ્રેક્ટર-જેસીબી ફેરવાયાં, કામગીરીનો ખર્ચ દબાણ કરનાર પાસેથી વસૂલાશે
  • મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ અને તલાટી હાજર રહ્યા, પોલીસ કાફલો ખડકી દેવાયો
  • જુવાર સહિતનો ઘાસચારો ગાયોને ખવડાવી દેવાયો

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે સતત ચાર દિવસની કામગીરીના અંતે તંત્ર દ્વારા ગૌચરની 700 વિઘા જમીન ઉપરથી ગેરકાયદે થયેલાં વાવેતર હટાવીને ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા અનધિકૃત રીતે કરાયેલા વાવેતર ઉપર ટ્રેક્ટર અને જેસીબી ફેરવી દેવાયા હતા. વર્ષો પછી આ દબાણો દૂર કરાયા હતા. જેને પગલે ગામમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે સરકારી તંત્ર દ્વારા ગૌચરની 700 વીઘા જમીનનો કબજો કરનાર 35 જેટલા રહીશોના કબજા ખાલી કરાવવા સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઇ, સરપંચ, તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ સાથે રહીને કાર્યવાહી હાથ ધરી હતી. 8 પોલીસ કોન્સ્ટેબલ સાથે મોટીચંદુર ગામે જઈ 4 ટ્રેક્ટર, 1 જેસીબી કામે લગાડી 24થી 27 ઓગસ્ટ સુધી ચાર દિવસ સુધી આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 700 વીધા ગૌચર જમીનના દબાણો દુર કરાયા હતા.

મોટીચંદુર ગામના 700 વિઘા જમીનમાં ગેરકાયદે વાવેતર કરાતાં ટ્રેક્ટર અને જેસીબી ફેરવી જમીન ખાલી કરાવવામાં આવી હતી.
મોટીચંદુર ગામના 700 વિઘા જમીનમાં ગેરકાયદે વાવેતર કરાતાં ટ્રેક્ટર અને જેસીબી ફેરવી જમીન ખાલી કરાવવામાં આવી હતી.

સરકારી જમીનમાં દબાણકર્તાઓ માથાભારે હોવાના કારણે કોઈ પગલા લેવાતા ન હતા : સ્થાનિક રહિશો
ગામના રહીશના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા ગૌચરની જમીનમાં વાવેતર કરી દબાણ કરવામાં આવ્યું હતું. જે અંગે વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ સાંભળતું ન હતું. છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ દબાણકર્તાઓ માથાભારે હોવાના કારણે કોઈ પગલા લેવાતા ન હતા. દબાણકર્તાઓ દ્વારા અંદરો અંદર જમીનના ભાગ પણ પાડી દીધા હતા. હવે આ જમીન ખુલ્લી કરાતાં પશુઓને ચરિયાણ મળી રહેશે.

મામલતદાર, ટીડીઓ, તલાટી, સરપંચ અને પોલીસ હાજર રહી હતી.
મામલતદાર, ટીડીઓ, તલાટી, સરપંચ અને પોલીસ હાજર રહી હતી.

અત્યાર સુધી અમારી વાત કોઈ સાભળતુ ન હતું
ગામના રહીશ અને દબાણો દૂર કરાવવા અરજ કરનાર વાઘેલા મેઘુભા રામાજી તેમજ વઢેર કેતનભાઈ દાનાભાઈ જણાવ્યા પ્રમાણે સરકારી તંત્ર દ્વારા હવે કામગીરી કરાઈ છે જેનો સંતોષ છે. અત્યાર સુધી અમારી વાત કોઈ સાભળતુ ન હતું. આખરે તંત્ર જાગ્યું અને સરકારી જમીન ગૌચર ખુલ્લી કરાવી.

દબાણ દૂર કરવાનો ખર્ચ દબાણકર્તાઓ પાસેથી વસૂલાશે
મામલતદાર બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દબાણકર્તાઓને 3 નોટિસ બજાવવામાં આવી હતી. તેમ છતાં તેઓએ જાતે જમીન ખુલ્લી ન કરતા તંત્ર દ્વારા જમીન ઉપર જુવાર અને અડદના વાવેતર ટ્રેકટર અને જેસીબી વડે દૂર કરાયા હતા. જુવાર ઘાસચારો પશુઓને ખવડાવી દેવામાં આવ્યો હતો. દબાણ દૂર કરવા માટેનો ખર્ચ દબાણકર્તાઓ પાસેથી વસૂલવામાં આવશે અને તેઓ દ્વારા ખર્ચ નહીં અપાય તો તેમની બીજી જમીન ઉપર બોજો પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...