શંખેશ્વર મહાતિર્થેથી પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા.એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીમાં જણાવેલ કે શત્રુંજય ગિરિરાજનો મહિમા જગ વિખ્યાત છે. સ્વયં સીમંધર સ્વામી જેને પોતાના મુખથી વર્ણવતા હોય એ ગિરિરાજની પવિત્રતાની તો વાતજ શી કરવી. ચૈત્રી પૂર્ણિમાનું મહત્વ બતાવતા કહ્યું છે કે વર્ષની બાર પૂર્ણિઓમાં ચૈત્રી પૂનમ પુણ્ય વૃદ્ધિ કારક છે. ચૈત્રી પૂનમના દિવસે જે શુભભાવ પૂર્વક ઉપવાસ કરીને શ્રી સિદ્ધાચલની યાત્રા કરે તે જીવ નરક કે તીર્થંચ ગતિમાં ન જાય. ચૈત્રી પૂનમે સ્નાત્રજલ ઘરમાં લાવીને હંમેશા છાંટે તે સંપદા પામે. ચૈત્રી પૂનમનું જો જીવ આરાધન કરેતો મોક્ષપદ પામે છે. ચૈત્રી પૂનમે શત્રુંજય તીર્થ પર રહેલ પ્રતિમાઓનું પૂજન કરવાથી શ્રી નંદીશ્વર દ્વિપમાં રહેલ શાશ્વત ભગવાનની પૂજા કરતાં અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્રી પૂનમે કોઈ મનુષ્ય કોઈપણ જગ્યાએ રહીને શ્રી ઋષભદેવની તેમજ પુંડરીક સ્વામીની પૂજા કરેતો દેવતાઈ સુખો પામે છે. જે પ્રાણી શુદ્ધ વિધિપૂર્વક ચૈત્રી પૂનમે આરાધના કરે, તે પોતાના સ્થાનમાં રહીને પણ તીર્થયાત્રાનું ફળ પામે છે. શ્રી ઋષભદેવ પ્રભુના બે પુત્રો નમિ અને વિનમિ અને તેમના પ્રથમ ગણધર પુંડરીક સ્વામી પાંચ ક્રોડ સાધુના પરિવાર સાથે મુક્તિપદને પામ્યા છે. વર્ષની બાર પૂર્ણિમા મધ્યે ચૈત્રીપૂનમનું માહાત્યમ ઘણું જ છે, તે અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનાર છે. ચૈત્રી પુનમના દિવસે અનેક વિદ્યાધર, ચક્રવર્તી વિગેરે મહાપુરુષો વિમલગિરિ તીર્થ ઉપર મોક્ષે ગયા છે. તેથી ચૈત્રી પૂનમનો દિવસ ઉત્તમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.